તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ગાંધીનગરમાં ‘મેંગો ફેસ્ટિવલ’નો દબદબાભેર પ્રારંભ: વચેટિયાઓનો ખેલ ખતમ, હવે ખેડૂતો સીધો વિદેશના બજારોમાં ગજવશે ગુજરાતની કેસરનો ડંકો!
ગુજકોમાસોલની ‘ગ્લોબલ’ પહેલ: મહેસાણામાં તૈયાર થયો આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ, અમિતભાઈ શાહના હસ્તે થશે લોકાર્પણ - કેસર અને હાફૂસના રસિયાઓ માટે ‘સહકારથી સમૃદ્ધિ’નો નવો પંથ

ગાંધીનગર : ઉનાળો જામ્યો છે અને કેરીની સુગંધ ચારેબાજુ પ્રસરી રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતો અને કેરીના રસિયાઓ માટે ગાંધીનગરથી આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજકોમાસોલ દ્વારા ગાંધીનગરમાં ભવ્ય ‘મેંગો ફેસ્ટિવલ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ માત્ર પ્રદર્શન પૂરતો સીમિત નથી, પરંતુ તે ગુજરાતના ખેડૂતોને સીધા વૈશ્વિક બજાર સાથે જોડવાનું એક મજબૂત માધ્યમ બનવા જઈ રહ્યું છે.
ખેડૂતો હવે ગ્લોબલ માર્કેટના ખેલાડી બનશે
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરતા એક મહત્વની જાહેરાત કરી હતી. અત્યાર સુધી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ મોટી કમાણી કરી જતા હતા, પરંતુ હવે આ ફેસ્ટિવલ દ્વારા ખેડૂતો સીધું જ વેચાણ કરી શકશે. એટલું જ નહીં, વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી તાજી અને ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરી પહોંચાડવા માટે ડાયરેક્ટ એક્સપોર્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ પહેલથી ખેડૂતોની આવક બમણી થવાની દિશામાં મોટું ડગલું ભરાયું છે.
મહેસાણામાં ખેતીની કાયાપલટ કરતો નવો પ્લાન્ટ
ખેડૂતોની ઉપજને મૂલ્યવર્ધિત બનાવવા માટે મહેસાણા ખાતે એક વિશાળ અને આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટનું લોકાર્પણ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે. આ પ્લાન્ટમાં કેરી ઉપરાંત શાકભાજીની પેટા પેદાશો (Buy Products) બનાવવામાં આવશે, જેનાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી રહેશે.
કેસરથી લઈને તોતાપુરી સુધીનું આકર્ષણ
આ મેંગો ફેસ્ટિવલમાં ગુજરાતની શાન એવી કેસર ઉપરાંત હાફૂસ, બદામ અને તોતાપુરી જેવી વિવિધ જાતોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. સહકારી માળખાના માધ્યમથી ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને સાર્થક કરતા આ આયોજનમાં આધુનિક પેકિંગ અને ગ્રેડિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વિદેશી બજારોમાં ગુજરાતની કેરીની ગુણવત્તા જળવાઈ રહે.
દિલીપ સંઘાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ફેસ્ટિવલ ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે એક મહત્વનો સેતુ સાબિત થશે. હવે ગુજરાતના ખેતરોની મીઠી કેરી સાત સમંદર પાર વિદેશીઓના ટેબલ સુધી પહોંચશે, જે ખેડૂતો માટે ગૌરવની વાત છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
