તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
મન કી બાત-યુવાઓ કે સાથ’: ગાંધીનગરમાં યુવાનો સાથે જગદીશ વિશ્વકર્માએ નિહાળી PM મોદીની ‘મન કી બાત
‘મોદી સરકાર’ના યુવા ફ્રેન્ડલી અભિગમથી દેશમાં નવી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી થઈ : યુવાનો ‘જોબ સિકર’માંથી ‘જોબ ગીવર’ બની દેશના વિકાસમાં આપી રહ્યા છે અમૂલ્ય યોગદાન ભારતની યુવા શક્તિમાં અપાર કૌશલ્ય, વિકસિત ભારતના નિર્માણનો પાયો : નાનકડી પિનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન આજે ભારતમાં થઈ રહ્યું છે : જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ રવિવારે ગાંધીનગરના કુડાસણ સ્થિત ‘Chai G’ કેફે ખાતે મોટી સંખ્યામાં યુવાનો સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૩૭મા એપિસોડનું પ્રસારણ નિહાળ્યું હતું. ‘મન કી બાત-યુવાઓ કે સાથ’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ બાદ પ્રદેશ અધ્યક્ષે યુવાનો સાથે હળવી શૈલીમાં આત્મીય સંવાદ પણ કર્યો હતો.
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘મન કી બાત’ના માધ્યમથી દેશના સામાન્ય નાગરિકોની અસાધારણ અને વિશિષ્ટ સિદ્ધિઓ, પ્રેરણાદાયી કાર્યો, દેશના સુવર્ણ ઇતિહાસ અને રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ કરાવતી વિવિધ બાબતોને દેશવાસીઓ સમક્ષ રજૂ કરીને તેમની સાથે સીધો સંવાદ સાધે છે.
યુવાનો સાથે વાર્તાલાપ કરતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે ઐતિહાસિક રીતે વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે અને સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. એક સમયે સંરક્ષણ ક્ષેત્રે આયાત પર નિર્ભર રહેલો દેશ આજે કરોડો રૂપિયાના સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ નહિવત્ હતું, જ્યારે આજે ભારત મોબાઇલ ઉત્પાદનમાં અગ્રણી દેશ તરીકે આગળ વધી રહ્યું છે.
તેમણે કહ્યું કે, અનેક ક્ષેત્રોમાં ભારતે ઐતિહાસિક હરણફાળ ભરી છે. આજે નાનકડી પિનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે, જે બદલાતા અને આત્મનિર્ભર ભારતની શક્તિ દર્શાવે છે.
યુવાનો ‘જોબ સિકર’માંથી બની રહ્યા છે ‘જોબ ગીવર’
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ‘મોદી સરકાર’ના યુવા ફ્રેન્ડલી અભિગમ અને વિવિધ યોજનાઓના પરિણામે દેશમાં નવી અને મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. આજે દેશના યુવાનો વિવિધ ક્ષેત્રોમાં ઇનોવેશન આધારિત સફળ સ્ટાર્ટઅપ શરૂ કરીને ‘જોબ સિકર’માંથી ‘જોબ ગીવર’ બની રહ્યા છે અને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતની યુવા શક્તિમાં અપાર કૌશલ્ય અને સામર્થ્ય રહેલું છે અને આ યુવા શક્તિ જ વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દેશના યુવાનોના પડખે મજબૂતીથી ઊભી છે.
ભૂકંપ બાદ ગુજરાતને ઊભું કરવામાં મોદીના નેતૃત્વની ભૂમિકા
ગુજરાતના વિકાસ અંગે વાત કરતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપની દુઃખદ આપત્તિ બાદ નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી અને દૃઢ નેતૃત્વના પરિણામે કચ્છ સહિત સમગ્ર ગુજરાત ફરી બેઠું થયું અને ત્યારબાદ દેશભરમાં ‘મોડેલ સ્ટેટ’ તરીકે ઉભરી આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક ગણાવ્યો હતો. સાથે જ ઉપસ્થિત યુવાનોએ દર મહિને ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે સહિત ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
