તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
સુરતમાં ભાજપ કાર્યકર જય દલાલ હત્યા કેસમાં મન્યા ડુક્કર ગેંગ સામે કાર્યવાહી : બે સાગરિતોની ધરપકડ
ગણેશ કોળી અને સાગર રાજ વૈન્દે પાસેથી ત્રણ પિસ્તોલ અને છ કાર્ટિઝ જપ્ત કરાયા:લાજપોર જેલમાંથી હથિયારો પહોંચાડ્યાની કડી મળી :હવે અન્ય આરોપીઓની ધરપકડની શક્યતા

સુરતમાં ભાજપ કાર્યકર જય દલાલની હત્યાના કેસમાં પોલીસ તપાસ વધુ તેજ બની છે. મુખ્ય સૂત્રધાર મન્યા ડુક્કર સાથે સંકળાયેલી ગેંગ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમોએ દરોડા પાડી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને છ જીવતા કાર્ટિઝ મળી આવતા પોલીસ તંત્રમાં પણ ચકચાર મચી છે.
ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી દરમિયાન ગણેશ કોળી અને સાગર રાજ વૈન્દેની ધરપકડ કરી છે. બંને આરોપીઓની પૂછપરછમાં ગેંગ સાથે જોડાયેલી વધુ મહત્વની વિગતો સામે આવવાની શક્યતા છે. પોલીસે જપ્ત કરાયેલા હથિયારો અંગે પણ તપાસ શરૂ કરી છે કે તેનો ઉપયોગ કોઈ ગુનામાં થયો છે કે કેમ અને આ હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા.
જય દલાલ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવેલા મન્યા ડુક્કરની અગાઉ જલગાંવથી ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસનો વ્યાપ વધાર્યો છે. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા કરવામાં આવેલા દરોડામાં હથિયારોનો જથ્થો મળી આવતા કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાજપોર જેલમાં રહેલા જયેશ પટેલે પિસ્તોલની વ્યવસ્થા કરી હતી. આ હથિયારો પ્રીતેશ સોનવણે અને ગણેશ કોળીને સાચવવા માટે આપવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર હથિયાર સપ્લાય ચેઇનમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે જાણવા માટે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
હાલમાં બે આરોપીઓની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેસની કડીઓ જોડવામાં આવી રહી છે. પોલીસ આગામી દિવસોમાં ટ્રાન્સફર વોરંટના આધારે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરશે. જય દલાલ હત્યા કેસ પાછળનું સમગ્ર ષડયંત્ર, હથિયારોની વ્યવસ્થા અને ગેંગના અન્ય સભ્યોની ભૂમિકા અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
