<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

શાકભાજીના વાડામાં ગાંજાનું વાવેતર, 30.97 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

વઘઈના બરડ ગામમાં LCB- વઘઈ પોલીસ ની સંયુક્ત કાર્યવાહી; 7 છોડની કિંમત રૂ.15.48 લાખ | ડાંગમાં અત્યાર સુધીના સૌથી વધુ કિંમતના ગાંજા વાવેતરનો કેસ હોવાનો પોલીસનો દાવો

ડાંગ: ‘નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત’ અભિયાન હેઠળ ડાંગ જિલ્લા LCB અને વઘઈ પોલીસની ટીમે બરડ ગામમાં દરોડો પાડી ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ કર્યો હતો. ઘર પાછળના વાડામાં મકાઈ, ભીંડા, કાકડી સહિતના શાકભાજીના છોડ વચ્ચે ગાંજાનું વાવેતર કરનાર 40 વર્ષીય હરિભાઈ રડકેભાઈ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં ગાંજાના 7 છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 30.97 કિલો અને કિંમત રૂ.15.48 લાખ હોવાનું જણાવાયું છે. છોડની ઊંચાઈ અંદાજે 3થી 13 ફૂટ સુધીની હતી. પોલીસે ગાંજાના છોડ સહિતનો સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે વઘઈ પોલીસ સ્ટેશનના PI એ.એચ. ચાવડા, LCB PSI જે.જી. અનડકટ તથા બંને ટીમના કર્મચારીઓએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે વઘઈ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ-1985ની કલમ 8(B), 8(C), 20(A)(1) અને 20(B)(2)(C) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ડાંગ એસપી પૂજા યાદવ એ જણાવ્યા મુજબ, ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં ગાંજાના વાવેતરનો આ સૌથી વધુ કિંમતનો કેસ છે. ‘નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત’ અભિયાન હેઠળ થયેલી આ કાર્યવાહીએ ગાંજાના ગેરકાયદે વાવેતર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બન્યાનો સંકેત આપ્યો છે.

(12:12 PM IST)