<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

બેવફા સોન્‍ગની ક્‍વીન કાજલ મહેરિયાનો લગ્ન વિવાદ સામે આવ્‍યો!

હવે સિંગર કાજલ મહેરિયા પ્રેમલગ્નને લઈ વિવાદમાં: પરિવારની જાણ બહાર લગ્ન કર્યા? : વિવાદના પોસ્‍ટર સોશિયલ મીડિયામાં થઇ વાયરલ મહેસાણાના ગોઢવા ગામના તેમના પરિવારે સમાજ પાસે સમર્થન માંગ્‍યું છે અને સામાજિક મર્યાદા ભંગનો આક્ષેપ કર્યો છે. હાલમાં સિગર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ સમાજમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે

 ગુજરાતના લોકસંગીત અને આલ્‍બમ સોંગ્‍સની દુનિયાનું જાણીતું નામ એટલે કાજલ મહેરિયા. કિજલ રબારી અને કિજલ દવે બાદ હવે કાજલ મહેરિયા પણ પોતાના અંગત જીવનને લઈ ચર્ચામાં આવ્‍યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અનુસાર સિગરે પરિવાર કે સમાજની જાણ બહાર પ્રેમલગ્ન  કરી લીધા હોવાના આક્ષેપો સાથે વિવાદ છેડાયો છે. આ ઘટનાને પગલે મહેરિયા પરિવાર અને મહેરિયા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વાયરલ થયેલી પોસ્‍ટ અને આક્ષેપો મુજબ મહેસાણા જિલ્‍લાના ગોઢવા ગામના રહેવાસી અને કાજલ મહેરિયાના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા દ્વારા એક જાહેર અપીલ કરવામાં આવી છે. પોસ્‍ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે કાજલ મહેરિયાએ કરેલા લગ્નથી તેમનો પરિવાર અને સમાજ સંપૂર્ણપણે અજાણ છે. પરિવારની સહમતિ વિના લેવાયેલા આ નિર્ણયને કારણે સામાજિક સ્‍તરે વિરોધના સૂર ઉઠ્‍યા છે. મહેરિયા પરિવાર દ્વારા ૧૮ આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈને પરિવારને સમર્થન આપવા વિનંતી કરવામાં આવી છે.

કાજલ મહેરિયા ગુજરાતની એક અત્‍યંત લોકપ્રિય સિંગર છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેમનો વિશાળ ચાહક વર્ગ છે. મહેસાણા જિલ્‍લાના વતની કાજલ મહેરિયાએ ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતી સંગીત જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ ખાસ કરીને તેમના સુરીલા અવાજ અને ગરબા, લોકગીતો તેમજ બેવફા ગીતો (દર્દભર્યા ગીતો) માટે જાણીતા છે. તેમના ગીતો સોશિયલ મીડિયા અને યુટ્‍યુબ પર મિલિયનોમાં વ્‍યૂઝ મેળવે છે. પરિવારનો દાવો છે કે આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં તેમણે સામાજિક મર્યાદાઓને બાજુ પર મૂકીને આ પગલું ભર્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સોશિયલ મીડિયા પર ચાહકો અને સ્‍થાનિક લોકોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્‍યું છે.

(10:46 AM IST)