તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
ભરૂચના ઝઘડિયામાં પરણિત પ્રેમી પંખીડા સંજય વસાવા અને સુધા વસાવાની ઝેરી દવા પી આત્મહત્યા
10 એપ્રિલથી ગૂમ થયેલા આ બંનેના મૃતદેહ ચાર રસ્તા પાસેથીમળ્યા :પ્રેમ સંબંધને કારણે લેવાયેલા પગલાથી ત્રણ માસૂમ બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પંથકમાં શોકનું મોજું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધમાં ગળાડૂબ બે પરણિત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ મૃતક મહિલા અને પુરુષ બંને પરણિત હતા અને સંતાનોના માતા-પિતા પણ હતા, પરંતુ સમાજ અને પરિવારના ભય કે વિરુદ્ધ પરિસ્થિતિને કારણે તેઓએ આ અંતિમ ડગલું ભર્યું હોવાનું મનાય છે.
રાજપારડીનો રહીશ સંજય વસાવા અને ઝઘડિયાની સુધા વસાવા ગત 10 મી એપ્રિલથી ગુમ થયા હતા. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન ઝઘડિયા ચાર રસ્તા નજીકથી આ બંને ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક તેમને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ ઝેરી દવાની અસર વધુ હોવાથી બંનેનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે બંનેએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક સુધાબેન વસાવા બે સંતાનોની માતા હતી. તે પોતાના પતિથી કંટાળીને છેલ્લા કેટલાક સમયથી માતાના ઘરે રહેતી હતી. આ સમયગાળા દરમિયાન તેને સંજય વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બીજી તરફ સંજય વસાવા પણ પરણિત હતો અને તેને એક સંતાન હતું. બંનેને ખ્યાલ હતો કે સમાજમાં તેમનો આ સંબંધ સ્વીકાર્ય નહીં બને, પરિણામે ચિંતામાં આવીને બંનેએ મોતને વહાલું કર્યું હતું.
આ આત્મહત્યાની સૌથી વધુ કરુણ અસર માસૂમ બાળકો પર પડી છે. સુધાબેનના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે સંજયના એક બાળકે પિતાનો સહારો ગુમાવ્યો છે. ક્ષણિક આવેગમાં લેવાયેલા આ નિર્ણયને કારણે ત્રણ બાળકો નોંધારા બની ગયા છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
