News of Friday, 27th November 2026
તલગાજરડામાં પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે સમૂહલગ્ન અને સંતવાણી સન્માન સમારોહ : "ભજનથી ધર્મગુરુ સિદ્ધાંત અને સદગુરુ સત્ય આપે છે" - પૂ. મોરારિબાપુનું પ્રેરક ઉદ્બોધન
ચિત્રકૂટધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેવરાજભાઈ ગઢવી, પ્રતાપભાઈ બારોટ, હિતેશગીરી ગોસાઈ અને સંજયભાઈ કાપડીનું સંતવાણી સન્માન : ગામની દીકરીઓના સમૂહલગ્ન સાથે સંતો, કલાકારો અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

ઈશ્વરિયા : ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે સમૂહલગ્ન અને સંતવાણી સન્માનનો સાત્વિક કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે પૂ. મોરારિબાપુએ પોતાના હરખ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે અને સદગુરુ સત્ય આપે છે. તેમણે આ સન્માન સમારોહને ભજન વંદનાનો પ્રતીક ઉપક્રમ ગણાવી પ્રસંગ અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
ભજનથી શું પ્રાપ્ત થાય તે અંગે વિચાર રજૂ કરતા પૂ. મોરારિબાપુએ તુલસીદાસજીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ત્યારબાદ વ્યક્તિને ભજન સિવાય બીજું કશું જ ગમતું નથી, તેમજ ભજન દ્વારા થતી પ્રાપ્તિ વિશે પણ તેમણે વાત કરી હતી. કાર્યક્રમમાં સંતવાણી ગાયકો, સંગીતકારો અને આરાધકોનું સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં મોટાભમોદરાના સુખરામજીબાપુની આદિ સર્જક વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને સંતવાણી સન્માન એનાયત કરાયા હતા, જેમાં બાડા કચ્છના નાનો ડેરોના ભજનિક દેવરાજભાઈ ગઢવી, જૂનાગઢના તબલાવાદક પ્રતાપભાઈ બારોટ, બાબરા રાજકોટના તબલાવાદક હિતેશગીરી ગોસાઈ અને જામનગરના મંજીરાવાદક સંજયભાઈ કાપડીનો સમાવેશ થાય છે. કાર્યક્રમનું સંચાલન કરતાં હરિશ્ચંદ્રભાઈ જોષીએ સંતવાણી પરંપરાનો ઉલ્લેખ કરીને જુદા જુદા પ્રાંતોની સંતવાણી સંદર્ભે રસ પીરસ્યો હતો અને પૂ. મોરારિબાપુ પ્રેરિત આયોજનની પ્રાસંગિક વિગતો આપી હતી.
પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત સમૂહલગ્નમાં ગામની દીકરીઓએ નવા લગ્નજીવનમાં પ્રવેશ કર્યો હતો. આ સાત્વિક આયોજનમાં સાવરકુંડલાના ભક્તિરામબાપુ સહિત લોકસાહિત્યકાર ભિખુદાનભાઈ ગઢવી, ભજનિક નિરંજનભાઈ પંડ્યા, લોકગાયક ભજનિક હેમંતભાઈ ચૌહાણ, સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ કલાકાર ભજનિકો બિહારીભાઈ ગઢવી, શ્રીમતી ભારતીબેન વ્યાસ, કિર્તીદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર અને નીતિનભાઈ વડગામા સહિત અનેક સાહિત્યકારો, કલાકારો, ધાર્મિક તથા સામાજિક અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સન્માન પસંદગી સેવામાં પરષોત્તમપરી ગોસ્વામી અને ખેતશીભાઈ ગઢવીએ સેવા આપી હતી, જ્યારે સંતવાણી સન્માન ઉપક્રમની સાથે નામી અને અનામી ભજનિક કલાકારો દ્વારા ભાવિકોને સંતવાણીનો લાભ મળ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
