હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ:આખું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી: ૫ થી ૬ લોકોને ગંભીર ઇજા
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના વિસ્તારોમાં જાણે ધરતી ધ્રુજી ઉઠી હોય તેવો ભયનો માહોલ સર્જાયો

ખેડા જિલ્લાના કપડવંજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના વિસ્તારોમાં જાણે ધરતી ધ્રુજી ઉઠી હોય તેવો ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. બે દિવસ પહેલા જ જિલ્લામાં અન્ય એક ફેક્ટરી પકડાઈ હોવા છતાં આ પ્રકારની બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે.
કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશનની સામે ધમધમતી આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક જ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે જે બિલ્ડિંગમાં ફેક્ટરી ચાલતી હતી તે આખું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું અને તેના ભુક્કા બોલાઈ ગયા હતા. ધડાકાનો અવાજ સાંભળીને નજીકના ગામોના લોકો પણ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં ૫ થી ૬ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતાં જ સ્થાનીય પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેથી કોઈ વધુ જાનહાનિ ન થાય. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટ બાદ આસપાસના રહીશોમાં હજુ પણ ભારે ગભરાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે હજુ બે દિવસ પહેલા જ ખેડા SOG દ્વારા વસો ગામમાંથી એક ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. આટલી મોટી કાર્યવાહીના ગણતરીના કલાકોમાં જ કપડવંજમાં આ બીજો બ્લાસ્ટ થતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રહેણાંક કે જાહેર વિસ્તારોની નજીક આવી જોખમી ગેરકાયદે ફેક્ટરીઓ કોની રહેમનજર હેઠળ ધમધમી રહી છે, તે હવે તપાસનો મોટો વિષય બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
