<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

વડોદરાના તાંદલજામાં કિસ્મત ચોકડી પાસે ઝૂંપડાઓમાં ભીષણ આગ: ટેકરી પર આવેલા 15થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં

આગના ધુમાડાના ગોટેગોટા:વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્ય:આગમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો

વડોદરાના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે બુધવારે ઝૂંપડાઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કિસ્મત ચોકડીની ટેકરી પર આવેલા 15થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, તાંદલજા કિસ્મત ચોકડી પાસે ટેકરી પર મોટી સંખ્યામાં ઝૂંપડાઓ આવેલા છે. અહીં મોડી સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટો આસપાસના ઝૂંપડાઓ સુધી પહોંચતા 15થી વધુ ઝૂંપડાઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ધુમાડો દૂર દૂર સુધી દેખાતો હોવાથી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં લોકો પણ સલામત સ્થળે ખસી ગયા હતા.

આગની જાણ વાસણા ફાયર સ્ટેશનને થતાં ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની વિકરાળતા જોતા ફાયર ટીમે પાણીનો મારો શરૂ કર્યો હતો. ઝૂંપડાઓ એકબીજાની નજીક હોવાથી આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર ફાઇટરોએ ભારે જહેમત કરી હતી. ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ પર નિયંત્રણ મેળવ્યા બાદ ફાયર ફાઇટરોએ આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરી હતી. જેથી આગ ફરીથી ન ભભૂકે તેની તકેદારી રાખવામાં આવી હતી.

આગની ઝપેટમાં આવેલા ઝૂંપડાઓમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કપડાં, ઘરવપરાશની વસ્તુઓ અને અન્ય સામાન સહિતની ચીજવસ્તુઓ આગમાં નાશ પામી હતી. આગને કારણે અસરગ્રસ્ત પરિવારોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઝૂંપડાઓમાં આગ કેવી રીતે લાગી તે અંગે હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગ લાગવાનું કારણ જાણવા સંબંધિત તંત્ર તરફથી તપાસ કરવામાં આવી રહી છે.

 સમગ્ર ઘટનામાં સદનસીબે હાલ સુધી કોઈ જાનહાની થઈ નથી. આગ લાગ્યા બાદ ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે આગને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગની ઘટનાને પગલે તાંદલજા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં થયેલા નુકસાન અને આગના કારણ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.

(1:56 PM IST)