<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

ક્રાઇમ બ્રાન્ચની બોગસ ઓળખ આપી ૫૯ તોલા સોનું લૂંટનાર માસ્ટરમાઇન્ડ ૮ વર્ષે મુંબઈથી ઝબ્બે

ધૂળેટીના દિવસે પટેલ પરિવારને બાનમાં લઈ લૂંટ ચલાવનાર મુખ્ય આરોપી થાણેથી ઝડપાયા બાદ મુદ્દામાલ પરત મળવાની આશા

વલસાડ: વલસાડમાં ૮ વર્ષ પહેલાં ધૂળેટીના તહેવાર ટાણે જ ક્રાઇમ બ્રાન્ચના નામે બંગલામાં ઘૂસી બંદૂકની અણીએ પરિવારને બાનમાં લઈ સવા લાખની રોકડ અને ૫૯ તોલા સોનાના દાગીનાની સશસ્ત્ર ધાડ પાડવાનો સનસનાટીભર્યો બનાવ બન્યો હતો. આ ચકચારી લૂંટ કેસનો મુખ્ય સૂત્રધાર અને નાસતો-ફરતો માસ્ટરમાઇન્ડ આખરે વલસાડ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે. મહારાષ્ટ્રના થાણા જિલ્લાના મુમરા વિસ્તારમાંથી ઝડપાયેલા આ આરોપીની ધરપકડથી વર્ષો જૂના સનસનાટીભર્યા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

માર્ચ ૨૦૧૮માં ધૂળેટીના દિવસે બે કારમાં આવેલા મોઢે બુકાની બાંધેલા ૧૦ જેટલા ધાડપાડુઓએ પટેલ પરિવારના ઘરમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારાઓએ પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપીને ઘાતક હથિયારો તથા બંદૂકની અણીએ આખા પરિવારને બંધક બનાવી દીધો હતો અને ક્ષણવારમાં લાખોની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. તે સમયે સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કેટલાક સાગરીતોને પકડી પાડ્યા હતા, પરંતુ સમગ્ર ખેલનો માસ્ટરમાઇન્ડ મોહમ્મદ ઉંમર પોલીસને ચકમો આપીને સતત ભાગતો ફરતો હતો.

ઝડપાયેલો માસ્ટરમાઇન્ડ મોહમ્મદ ઉંમર એક રીઢો અપરાધી છે અને તેનો મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આઠ આઠ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ મુખ્ય સૂત્રધાર સળિયા પાછળ ધકેલાતા પિડિત પટેલ પરિવારમાં ન્યાયની એક નવી આશા જાગી છે. આટલા વર્ષો પછી મુખ્ય આરોપી પકડાતાં સમગ્ર વિસ્તારમાં વલસાડ ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

હાલમાં વલસાડ ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ ઉંમરના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે. સામાન્ય રીતે લૂંટના બનાવોમાં આરોપીઓ પકડાઈ જાય છે પરંતુ લૂંટાયેલો મુદ્દામાલ રિકવર થવામાં મુશ્કેલી પડતી હોય છે, ત્યારે આ કેસમાં રિમાન્ડ દરમિયાન લૂંટવામાં આવેલું ૫૯ તોલા સોનું અને રોકડ રકમ ક્યાં છુપાવવામાં આવ્યા હતા તેની કડી મળે તેવી શક્યતા છે. આઠ વર્ષ પહેલાં છીનવાઈ ગયેલી પોતાની આજીવન કમાણી અને મરણમૂડી પરત મળશે તેવી મજબૂત આશા પટેલ પરિવાર વ્યક્ત કરી રહ્યો છે.

(3:54 PM IST)