<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

પુખ્‍ત વયના યુગલોને પોતાની મરજી મુજબ જીવન જીવવાનો સંપૂર્ણ અધિકાર

મરજીથી લગ્ન કરનાર યુગલો માટે મોટા રાહતના સમાચારઃ ગુજરાત હાઈકોર્ટે દંપતીની અંગત સ્‍વતંત્રતા પર લગાવી મહોર...

અમદાવાદ,તા.૧૮: પ્રેમલગ્ન કરનાર પુખ્‍ત વયના દંપતીના અંગત અને વૈવાહિક જીવનમાં પરિવાર કે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની દખલગીરી કરી શકાતી નથી તેવો અત્‍યંત મહત્‍વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્‍યો છે. એક કેસની સુનાવણી દરમિયાન જાસ્‍ટિસ મૂલચંદ ત્‍યાગીની બેન્‍ચે સ્‍પષ્ટ કર્યું કે પુખ્‍ત વયના યુગલોને પોતાની મરજી મુજબ જીવન જીવવાનો સંપૂર્ણ અધિકાર છે અને કાયદો તેમનું રક્ષણ કરે છે.

આ મામલે એક ૨૬ વર્ષીય યુવતી અને ૩૦ વર્ષીય યુવકે પોતાની મરજીથી ૨૬ ઓક્‍ટોબરે પ્રેમલગ્ન કર્યા હતા અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ - ૨૦૦૬ હેઠળ કાયદેસરની નોંધણી પણ કરવામાં આવી હતી. તેમ છતાં, એક ફરિયાદના આધારે પોલીસ જાણવાજોગ નોંધીને દંપતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને લગ્નમાં સાક્ષી બનેલી વ્‍યક્‍તિની પણ ધરપકડ કરી બાદમાં મુક્‍ત કરવામાં આવી હતી, જેનાથી બચીને દંપતીએ હાઇકોર્ટમાં પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી.

વકીલ સંદીપ ક્રિસ્‍ટીના જણાવ્‍યા અનુસાર, જો પ્રેમલગ્ન બાદ પરિવાર કે અન્‍ય કોઈ પણ વ્‍યક્‍તિ તરફથી ધમકી મળતી હોય તો યુવક-યુવતી નજીકના પોલીસ સ્‍ટેશનમાં લેખિત અરજી કરી શકે છે. આ અરજી સાથે બંનેની ઉંમર અને ઓળખના પુરાવા, લગ્ન પ્રમાણપત્ર તેમજ ધમકીના પુરાવા રજૂ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ, જો જરૂર જણાય તો દંપતીને તાત્‍કાલિક પોલીસ રક્ષણ અને સેફ હાઉસની સુવિધા આપવામાં આવતી હોય છે. જો પોલીસ તરફથી યોગ્‍ય કાર્યવાહી ન થાય તો ઉચ્‍ચ પોલીસ અધિકારી કે સીધા હાઈકોર્ટનો સંપર્ક કરી શકાય છે. 

વર્ષ ૨૦૧૮ના શક્‍તિવાહિની કેસમાં સુપ્રીમ કોર્ટે આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્ન કરનારા યુગલોની સુરક્ષા માટે સખત માર્ગદર્શિકા આપી હતી. જે મુજબ ધમકી મળતી હોય તો દંપતીને પોલીસ રક્ષણ આપવું, જરૂર પડે તો સેફ હાઉસમાં રાખવાની વ્‍યવસ્‍થા કરવી, દરેક જિલ્‍લામાં વિશેષ સેલ બનાવવો અને ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરવાનો સમાવેશ થાય છે. માત્ર બે મહિનાના સમયગાળામાં પ્રેમલગ્ન બાદ પોલીસ રક્ષણ અને સુરક્ષા માટે અમદાવાદના સરદારનગર, નવસારીના મરોલી અને પાટણના વરાહી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના દંપતીઓ દ્વારા હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે યુગલો પોતાની સુરક્ષા માટે હવે જાગૃત બની રહ્યા છે. (૪૦.૩)

(1:24 PM IST)