<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

માવઠાનો કહેર: દિવાળી ટાણે જ અન્નદાતા પર આફત, જૂનાગઢથી અમરેલી સુધી કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પાણીમાં ફેરવી

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં માવઠું, અમરેલીના વડિયામાં દોઢ ઈંચ વરસાદ; ખાંભામાં વીજળી પડતા મહિલાનું મોત, કપાસ-મગફળીના તૈયાર પાકને નુકસાન

અમદાવાદ તા.૩૧ : દિવાળીના તહેવાર ટાણે જ ગુજરાતમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 થી 21 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. 

 

SEOC ના આંકડા મુજબ સૌથી વધુ અમરેલીના વડિયા તાલુકામાં 1.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદરમાં 2.28 ઈંચ, ભેંસાણ, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ અને ખાંભા ગીર પંથકમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી અને વલસાડમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

 

અમરેલીના ખાંભા ગીરના સાકરવા ગામે ખેતરમાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ખાંભા-ઉના હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ગીર સોમનાથના કોડીનારના ઘાંટવડ ગામે ભારે પવનથી ખેડૂતોના મકાનના છાપરા ઉડી ગયા હતા અને પેટ્રોલ પંપને નુકસાન થયું હતું. ગોંડલમાં ફટાકડાના સ્ટોલને પવનથી નુકસાન થયું હતું.

 

હાલ ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળીનો પાક લણણી માટે તૈયાર હતો ત્યારે જ માવઠું આવતા પાક બગડવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર માટે પણ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, જ્યારે જામનગરનું હાપા માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

(4:27 PM IST)