તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 5th June 2026
પ્રવેશોત્સવ પહેલા રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પહોંચાડવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ, વૈશ્વિક યુદ્ધ અને કોર્ટ કેસના પડકારો છતાં પુસ્તકોના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો નહીં: પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ યુદ્ધના ધોરણે વિતરણ કામગીરી, ખાનગી શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા, સરકારી શાળાઓમાં તાલુકા સુધી માઇક્રો-પ્લાનિંગ, અંતરિયાળ વિસ્તારોમાં વિલંબ થાય તો વેબસાઈટ પરથી ઈ-બુક્સ ડાઉનલોડ કરી શિક્ષણ કાર્ય શરૂ કરવા અધ્યક્ષનો અનુરોધ

ગાંધીનગર તા.૫ : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે પ્રવેશોત્સવ પૂર્વે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ પાઠ્યપુસ્તક વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
અધ્યક્ષ શ્રી પાવરાએ સ્પષ્ટ કર્યું કે ચાલુ શૈક્ષણિક વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નૂતન વિષયોનો ઉમેરો કરી પાઠ્યપુસ્તક નિર્માણની પ્રક્રિયા સમયસર શરૂ કરી દેવાઈ હતી. પરંતુ કેટલીક અનિવાર્ય ન્યાયિક પ્રક્રિયા અને ઈરાન સહિતના અન્ય દેશો વચ્ચે સર્જાયેલી વૈશ્વિક યુદ્ધની વિષમ પરિસ્થિતિને કારણે કાગળની આયાતમાં અંદાજે અઢીથી ત્રણ મહિનાનો વિલંબ થયો હતો. તેમ છતાં મંડળની ટીમ તમામ આંતરરાષ્ટ્રીય અને કાનૂની અવરોધોને પાર પાડી, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પ્રભાવિત ન થાય તે માટે દિવસ-રાત પ્રિન્ટિંગની કામગીરી કરી રહી છે.
શ્રી પાવરાએ વિશ્વાસ અપાવ્યો કે આ તમામ વૈશ્વિક પડકારો છતાં પુસ્તકોના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અને વાલીઓ પર એક પણ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડવા દેવામાં આવશે નહીં.
પુસ્તક વિતરણની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે રાજ્યની ખાનગી અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટેના કિંમતવાળા પુસ્તકો વિતરકો સુધી સમયસર પહોંચાડી દેવાયા છે અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થઈ ચૂક્યા છે. જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓને આગામી શાળા પ્રવેશોત્સવ પૂર્વે જ તમામ પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા સુધી વિનામૂલ્યે મળી રહે તેવું માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ પુસ્તકો ઝડપથી પહોંચાડવા વિવિધ એજન્સીઓ ખડેપગે કામ કરી રહી છે.
વાલીઓને આશ્વસ્ત કરતા અધ્યક્ષશ્રીએ ઉમેર્યું કે ભૌગોલિક પડકારો કે અંતરિયાળ વિસ્તારોમાં જો ભૌતિક પુસ્તક પહોંચવામાં વિલંબ થાય તો પણ શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે મંડળે 'ડિજિટલ બેકઅપ'ની વ્યવસ્થા કરી છે. મંડળની અધિકૃત વેબસાઇટ https://gsstb.gujarat.gov.in/gsstb/Textbook પર તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો ઈ-બુક્સ સ્વરૂપે અપલોડ કરી દેવામાં આવ્યા છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વેબસાઇટ પરથી સીધા જ પ્રકરણો ડાઉનલોડ કરીને સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકશે.
રાજ્ય સરકાર અને પાઠ્યપુસ્તક મંડળ પ્રત્યેક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે સંવેદનશીલ છે અને છેવાડાના બાળક સુધી શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છે.તેમ મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
