તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલ બદનામ: નર્સિંગની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, પરિણીત હોવા છતાં લગ્નની લાલચ આપી લૂંટી આબરૂ
નોકરી કાયમી કરાવવાના બહાને અમદાવાદ અને હિંમતનગરની હોટલોમાં ગુજાર્યો બળાત્કાર; ભાંડો ફૂટતા પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો આરોપી ધવલ સોલંકી ફરાર

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી પ્રતિષ્ઠિત ગણાતી 'મેડિસ્ટાર' હોસ્પિટલ એક નરાધમના પાપને કારણે ચર્ચામાં આવી છે. અહીં BSC નર્સિંગ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ કરી રહેલી વડાલી પંથકની એક યુવતી સાથે વિશ્વાસઘાત અને દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આરોપી ધવલ સોલંકીએ પોતે પરિણીત હોવાની વાત છુપાવી, યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું સતત જાતીય શોષણ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
પ્રેમ અને નોકરીની લાલચ આપી હોટલોમાં ગુજાર્યો ત્રાસ
પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી ધવલ સોલંકીએ હોસ્પિટલમાં તેને કાયમી નોકરી અપાવવાનો અને તેની સાથે લગ્ન કરવાનો ખોટો વાયદો કર્યો હતો. આ લાલચમાં આવી ગયેલી નિર્દોષ વિદ્યાર્થિનીને આરોપી હિંમતનગર અને અમદાવાદની વિવિધ ખાનગી હોટલોમાં લઈ જતો હતો. ત્યાં તેણે વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીને જાણ થઈ કે ધવલ અગાઉથી જ પરિણીત છે, ત્યારે તેણે સંબંધોનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
સત્ય સામે આવતા મળી જાનથી મારી નાખવાની ધમકી
પોતાના પાપનો ભાંડો ફૂટી જશે તેવા ડરથી આરોપી ધવલ સોલંકીએ પલટી મારી હતી અને પીડિતાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. જો તે પોલીસ ફરિયાદ કરશે અથવા કોઈને આ બાબતે જાણ કરશે, તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. લાંબા સમય સુધી માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યા બાદ, અંતે પીડિતાએ હિંમત ભેગી કરી વડાલી પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી છે.
પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
વડાલી પોલીસે પીડિતાના નિવેદનના આધારે આરોપી ધવલ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે. હોસ્પિટલ જેવા પવિત્ર ગણાતા ક્ષેત્રમાં ઇન્ટર્નશીપ કરતી દીકરી સાથે થયેલા આ અત્યાચારને પગલે સમગ્ર પંથકમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
