<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ગાંધીનગરના આદેશથી પૂર્વ કચ્છના જૂના કંડલા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન

રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ઇફ્કો પ્લાન્ટ નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર મસ્જિદ સહિતના દબાણો તોડી પાડી લાખોની સરકારી જમીન મુક્ત કરાવાઈ

ગાંધીનગર : રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામો અને જમીન હડપ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર દ્વારા 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવામાં આવી છે. આ કડક નીતિ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના સીધા આદેશથી પૂર્વ કચ્છના જૂના કંડલા વિસ્તારમાં એક બહુ મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરીને બુલડોઝર ફેરવી દીધું છે અને લાખો રૂપિયાની સરકારી જમીન દબાણમુક્ત કરાવી છે.

આ સમગ્ર સંવેદનશીલ અને મોટી કાયદાકીય કાર્યવાહી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના સીધા માર્ગદર્શન હેઠળ અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારની કડક સૂચનાથી પોલીસ તંત્ર અને વહીવટી વિભાગના સંકલન સાથે પાર પાડવામાં આવી છે. ઓઈલ પાઈપલાઈન  અને પ્રતિષ્ઠિત ઇફ્કો પ્લાન્ટ ની નજીક આવેલા અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

આ ઓપરેશન અંતર્ગત કંડલા મરીન પોલીસની હદમાં આવતા સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં સરકારી જમીન પર ઊભી કરી દેવાયેલી ગેરકાયદેસર મસ્જિદ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. રેન્જ આઈજી અને એસપીના નેતૃત્વમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઓપરેશન દરમિયાન સતત હાજર રહ્યો હતો.

સ્થાનિક તંત્ર અને પૂર્વ કચ્છ એસપીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ચાલેલી આ નમૂનારૂપ કાર્યવાહીથી કંડલા પંથકમાં વર્ષોથી સરકારી જમીન દબાવીને બેઠેલા ભૂમાફિયાઓ તેમજ ગેરકાયદેસર તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશ મુજબ, આવનારા દિવસોમાં પણ આ પ્રકારના તમામ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્રની ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવાશે.

(12:51 AM IST)