<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અમદાવાદમાં ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણો સામે તમામ વિસ્તારોમાં વ્યાપક કાર્યવાહી મેગા: લાખોનો દંડ વસૂલાયો

એક જ સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ૬૮૫ ગેરકાયદેસર લારી-ગલ્લાઓ અને નડતરરૂપ એવા ૧૯૭૪ જેટલા જાહેરખબરના બોર્ડ તેમજ હોર્ડિંગ્સને દૂર કરાયા

અમદાવાદ શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અને જાહેર માર્ગોને મોકળા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અત્યંત તેજ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટીમો દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં આક્રમક રીતે કાર્યવાહી હાથ ધરીને રસ્તાઓ પર અડચણરૂપ બનતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા આ સઘન ઓપરેશનના કારણે ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા આ ટૂંકા ગાળામાં જ લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

 

આ મેગા ડ્રાઇવ અંતર્ગત શહેરના તમામ 7 ઝોનમાં વ્યાપક અને સઘન કામગીરી કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ ઝોનથી લઈને દક્ષિણ ઝોન સુધીના અનેક વ્યસ્ત મુખ્ય માર્ગો તેમજ અતિ ધમધમતા ચાર રસ્તાઓ આવરી લેવાયા છે. કોર્પોરેશનના સત્તાવાર આંકડાઓ મુજબ, માત્ર એક જ સપ્તાહની અંદર જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ૬૮૫ ગેરકાયદેસર લારી-ગલ્લાઓ અને રસ્તાની આસપાસ નડતરરૂપ એવા ૧૯૭૪ જેટલા જાહેરખબરના બોર્ડ તેમજ હોર્ડિંગ્સને સ્થળ પરથી જ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માર્ગો પર ટ્રાફિકને અવરોધતો આશરે ૪૮૮૫ જેટલો પરચૂરણ સામાન પણ મ્યુનિસિપલ ટીમો દ્વારા જપ્ત કરી લેવાયો છે.

 

રસ્તાઓ પર આડેધડ થતા પાર્કિંગની સમસ્યાને નાથવા માટે પણ AMC દ્વારા આકરા પગલાં લેવાયા છે, જેના ભાગરૂપે ૧૧૩૩ વાહનોને લોક કરવામાં આવ્યા છે અને ૧૦ વાહનોને ક્રેન દ્વારા ટોઇંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી દરમિયાન તંત્ર દ્વારા કુલ રૂ. 8.39 લાખનો અધધ દંડ વસૂલવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગરિકોની સુવિધા અને ટ્રાફિકની સરળ અવરજવર માટે જાહેર માર્ગો પરથી ગેરકાયદેસર દબાણો સંપૂર્ણપણે દૂર કરવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત અને અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.

(9:10 PM IST)