તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
વાલીયાના સીલુડી ગામમાં મેઘ તાંડવ: માત્ર બે કલાકના વરસાદે ગામને બનાવ્યું બેટ, 50 લોકોનું કરાયું સ્થળાંતર
કુદરતી કોતરના પાણી ઘરોમાં ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત: દીવાલો ધરાશાયી થવાની ઘટનામાં સાત લોકોનો થયો આબાદ બચાવ

વાલીયા (ભરૂચ) : ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના સીલુડી ગામમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. માત્ર બે કલાકના અનરાધાર વરસાદને પગલે ગામમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આભ ફાટ્યું હોય તેમ પડેલા વરસાદને કારણે ગામની વચ્ચેથી પસાર થતી કોતરના પાણી ગામમાં ઘૂસી જતાં આખું ગામ સંપર્કવિહોણું બનીને 'બેટ'માં ફેરવાઈ ગયું હતું, જેને લઈને ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગામ માથે આફત: મકાનોને મોટું નુકસાન
વરસાદનું જોર એટલું હતું કે કોતરના પાણી આક્રમક રીતે ગામમાં ઘૂસી આવ્યા હતા. પરિણામે, 10થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવેલા પૂરના પાણીને કારણે લોકોને પોતાની ઘરવખરી કે કિંમતી સામાન બચાવવાનો પણ સમય મળ્યો નહોતો. વરસાદી પાણીના દબાણને કારણે કાચા અને પાકા એમ અનેક મકાનોને ભારે નુકસાન થયું છે. ગામના સ્કૂલ ફળિયામાં બે મકાનોની દીવાલો તો ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે એક મકાનમાં મોટો 'ભુવો' પડી જતાં મકાનનું માળખું જોખમમાં મુકાયું છે.
સાત લોકોનો આબાદ બચાવ, 50 લોકો સુરક્ષિત સ્થળે
કુદરતી આફતના આ સમયમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ધરાશાયી થયેલા મકાનોમાંથી એક દિવ્યાંગ વૃદ્ધા સહિત સાત લોકોનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી છે. ઘટનાની જાણ થતાં જ ગામના તલાટી હાર્દિક વસાવા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા. તંત્રની ત્વરિત કામગીરીને પગલે 50 જેટલા ગ્રામજનોને પૂરના પાણીમાંથી બહાર કાઢી નજીકની શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
તંત્ર પાસે સહાયની માંગ
હાલ વરસાદનું જોર ઘટતા પાણી ઓસરી રહ્યા છે, પરંતુ પૂરના પાણી પાછળ છોડી ગયેલી તારાજી જોઈને ગ્રામજનો સ્તબ્ધ છે. રહેણાંક મકાનો અને ઘરવખરીને થયેલા વ્યાપક નુકસાનને કારણે ગ્રામજનોની હાલત કફોડી બની છે. ગ્રામજનોએ સરકાર અને સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવીને આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે. હાલ વહીવટીતંત્ર અસરગ્રસ્તોને પ્રાથમિક સુવિધાઓ અને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા માટે કાર્યરત છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
