તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 20th June 2026
ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ગળતેશ્વરમાં મહી કેનાલનો બ્રિજ ધરાશાયી થતા ગ્રામજનો મુશ્કેલીમાં, તંત્રની બેદરકારી સામે લોકરોષ
માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદે મચાવી તબાહી: ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ, વહીવટીતંત્રની લાપરવાહી સામે ગ્રામજનોના સવાલો

ગળતેશ્વર: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા જનજીવન ખોરવાઈ ગયું છે. ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદે અહીં તારાજી સર્જી છે. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં ખાબકેલા 65 mm એટલે કે અંદાજે 3 ઈંચ વરસાદને કારણે સેવાલીયા અને માલવણ થર્મલ જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જોકે, આ વરસાદની સૌથી ભયાનક અસર રસુલપુરા મહી કેનાલના બ્રિજ પર જોવા મળી છે.
મળતી માહિતી મુજબ, બ્રિજમાં બે દિવસ અગાઉ જ તિરાડો દેખાવાની શરૂ થઈ હતી. ગ્રામજનોએ આ અંગે તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા. પરિણામે, ગઈકાલે થયેલા ભારે વરસાદમાં પાણીના પ્રવાહને કારણે રસ્તામાં મોટું ગાબડું પડી ગયું હતું, જે હવે એક વિશાળ ભુવામાં ફેરવાઈ ગયું છે. કેનાલના નવીનીકરણની કામગીરી તાજેતરમાં જ થઈ હોવા છતાં, બ્રિજની આ મજબૂતીકરણની કામગીરીમાં સામે આવેલી બેદરકારીએ વહીવટી તંત્રના કામકાજ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ બ્રિજ આસપાસના ગ્રામજનો અને ખેડૂતો માટે ખેતરો તરફ જવા અને શહેરમાં અવરજવર કરવાનો એકમાત્ર મુખ્ય માર્ગ છે. હાલમાં રસ્તો તૂટી પડવાથી લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં વહીવટીતંત્રના ભ્રષ્ટાચાર અને કામગીરીમાં રહેલી ખામીઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, જો સમયસર તંત્ર જાગ્યું હોત તો આજે આ સ્થિતિ નિર્માણ ન પામી હોત.
આ સમગ્ર વિવાદ અંગે મહી સિંચાઈ વિભાગના અધિકારી સૌમિલભાઈ પટેલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ અને પાણીના અતિશય પ્રવાહને લીધે બ્રિજની સાઈડની દીવાલ અને એપ્રોચ રોડ પર ભંગાણ સર્જાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ માર્ગ ભારે વાહનો માટે નથી, પરંતુ અધિકારીની આ સ્પષ્ટતા વચ્ચે સ્થાનિકો અને ખેડૂતો માટે રોજિંદી મુશ્કેલીઓનો અંત આવતો નથી. હાલ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય અને ખેડૂતોના રોજિંદા કામકાજમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ આવે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
