<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર કમબેક: ૫૯ તાલુકાઓમાં અઢી ઇંચ સુધી ખાબક્યા મેઘા, ઢળતી સાંજે અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ

હવામાન વિભાગની આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી: ખેડાના નડિયાદ અને માતર પંથકમાં જળબંબાકાર, અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાએ મચાવી ધમાલ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુના અંતિમ ચરણમાં મેઘરાજાએ ફરી એકવાર અણધારી એન્ટ્રી લઈને અસહ્ય ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત પ્રજાને મોટી રાહત આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૭ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે, ત્યારે શનિવારે સવારના શાંત વાતાવરણ બાદ બપોર પછી અચાનક જ હવામાન બદલાયું હતું. રાજ્યના ૫૯ જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને ખેડા અને આણંદ પંથકમાં મેઘરાજાએ હેત વરસાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

 

આજે સવારથી જ આકાશ મોટે ભાગે ખુલ્લું રહ્યું હતું અને કાળઝાળ ગરમી અનુભવાઈ હતી, પરંતુ બપોરે ૧૨ વાગ્યા બાદ વાદળો ઘેરાવાના શરૂ થયા હતા. બપોરે ૧૨ થી સાંજના ૬ વાગ્યા સુધીના સમયગાળામાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સૌથી વધુ ૬૧ મિ.મી. (અઢી ઇંચ) વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ખેડાના માતર તાલુકામાં ૧.૬ ઇંચ, ખેડા શહેરમાં ૧.૨ ઇંચ તેમજ અમરેલીના લાઠી અને આણંદના સોજિત્રા પંથકમાં ૧.૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ, એક જ દિવસમાં ૭ જેટલા તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.

 

અમદાવાદમાં સમી સાંજે પલટાયું વાતાવરણ, પૂર્વથી પશ્ચિમ સુધી વરસાદ

 

અમદાવાદ શહેરની વાત કરીએ તો, ગઈકાલના તોફાની માહોલ બાદ આજે સવારે ભારે ઉકળાટ અને કાળઝાળ તડકો જોવા મળ્યો હતો. પરંતુ ઢળતી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પ્રહલાદનગર, શિવરંજની, સેટેલાઈટ, દાણીલીમડા તથા નારણપુરા સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અનેક પટ્ટાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેનાથી શહેરીજનોને ગરમીથી ભારે રાહત મળી હતી.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં જો કે હવે ભારે વરસાદની શક્યતા નહિવત્ છે, પરંતુ આગામી બે દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. આ દરમિયાન ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

(10:23 PM IST)