તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 12th July 2026
મેઘરાજાની ધમાકેદાર વાપસી: અંબાલાલ પટેલની મોટી આગાહી, 22 જુલાઈથી ગુજરાતમાં શરૂ થશે ભારે વરસાદનો નવો રાઉન્ડ

૨૭ થી ૩૦ જુલાઈ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદી રાઉન્ડ આવશે
અમદાવાદ : ગુજરાતરાજ્યમાં ચોમાસાએ થોડા દિવસનો વિરામ લીધા બાદ હવે ફરી એકવાર વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે. કાળઝાળ ગરમી, પવન અને બફારાથી પરેશાન નાગરિકો તેમજ વાવણીની ચિંતા કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે આજથી જ વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળશે. જુલાઈ મહિનાના ઉત્તરાર્ધમાં મેઘરાજા આખા ગુજરાતને ધમરોળશે.
આજથી વાતાવરણ પલટાશે: લોકલ સિસ્ટમ થશે સક્રિય
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ નબળી પડવાને કારણે અત્યાર સુધી વરસાદ પર બ્રેક લાગી હતી. પરંતુ હવે આજથી જ બંગાળની ખાડીમાં હલચલ વધશે. શરૂઆતના તબક્કામાં લોકલ સિસ્ટમના કારણે આગામી થોડા દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને કચ્છ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં શરૂ થઈ જશે.
17-18 જુલાઈએ મજબૂત સિસ્ટમ સક્રિય થશે: મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોર વધશે
હવામાનની આ નવીનતમ આગાહી અનુસાર, ૧૭ અને ૧૮ જુલાઈના રોજ બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ આકાર લેશે. આ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફથી આગળ વધીને ગુજરાતના વાતાવરણને પ્રભાવિત કરશે. જેના કારણે ૧૮ થી ૨૦ જુલાઈ દરમિયાન:
મધ્ય ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને પંચમહાલમાં સારો વરસાદ થશે.
ઉત્તર ગુજરાત: સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
22 જુલાઈથી ચોમાસાનો અસલી રાઉન્ડ: દક્ષિણ ગુજરાતમાં ભારે આફતની શક્યતા
રાજ્યમાં વરસાદની અસલી તોફાની બેટિંગ ૨૨ જુલાઈ બાદ જોવા મળશે. ૨૨ જુલાઈની આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી માહોલ જામશે. ત્યારબાદ ૨૪ થી ૨૬ જુલાઈ દરમિયાન મહારાષ્ટ્ર અને મુંબઈના દરિયાકાંઠાની સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
જુલાઈના અંતમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની આતુરતાનો આવશે અંત
સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદ ખેંચાયો છે, ત્યાં જુલાઈના અંતમાં મોટી રાહત મળવાના સંકેત છે. ૨૭ થી ૩૦ જુલાઈ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદી રાઉન્ડ આવશે. આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો પણ ગુજરાત માટે પાણી-પાણી સાબિત થશે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
