<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

બપોર સુધીમાં રાજ્યના 36 તાલુકામાં મેઘમહેર :સુરત-કામરેજમાં અઢી ઇંચ, પલસાણા -નવસારીમાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો

ઓલપાડ, ઉના અને જલાલપોરમાં દોઢ ઈંચ વરસાદ:ચોર્યાસી, માંગરોળ અને બારડોલીમાં 1-1 ઈંચ તથા અન્ય વિસ્તારોમાં અડધા ઈંચથી સામાન્ય વરસાદ પડ્યો:સુરત, નવસારી અને વલસાડ તેમજ દાદરા નગર હવેલી માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર

રાજ્યમાં સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં 36 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે, જ્યાં સુરત શહેરમાં અઢી ઈંચ અને કામરેજમાં પણ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પલસાણા અને નવસારીમાં 2-2 ઈંચ, જ્યારે ઓલપાડ, ઉના અને જલાલપોરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ચોર્યાસી, માંગરોળ અને બારડોલીમાં 1-1 ઈંચ તથા અન્ય વિસ્તારોમાં અડધા ઈંચથી સામાન્ય વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની પ્રબળ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ તેમજ દાદરા નગર હવેલી માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. સાયક્લોનિક સિસ્ટમને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ છે અને અસહ્ય ગરમી તથા ઉકળાટમાંથી લોકોને મોટી રાહત મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ આ વરસાદને પગલે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદ ખરીફ પાકની વાવણી માટે અત્યંત અનુકૂળ સાબિત થશે.

(1:33 PM IST)