News of Saturday, 25th July 2026
સવાર સુધીમાં રાજ્યના ૨૬૫ તાલુકાઓમાં મેઘમહેર: પાટણના સાંતલપુરમાં સૌથી વધુ ૧૫ ઇંચ ખાબક્યો: ઉકાઈ ડેમની સપાટી ૩૧૫.૪૬ ફૂટે પહોંચી
રાજસ્થાન પર સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમ્સને કારણે ગુજરાતમાં હજુ વરસાદી માહોલ ચાલુ રહેશે: આજે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા સહિતના ૮ જિલ્લાઓ અતિભારે વરસાદની ચેતવણી સાથે 'રેડ એલર્ટ' જાહેર: અન્ય ૧૪ જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ'

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ જમાવટ કરતા રાજ્યના ૨૬૫ તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હવે થોડું ઘટ્યું છે.
સવાર સુધીના આંકડા મુજબ પાટણ જિલ્લાના સાંતલપુરમાં ૧૫ ઇંચ, રાધનપુરમાં ૧૩.૪૬ ઇંચ, ભાભરમાં ૧૧.૩ ઇંચ, દિયોદરમાં ૧૦.૮૩ ઇંચ, નડિયાદમાં ૧૦.૩૧ ઇંચ, મહેમદાબાદમાં ૮.૩૯ ઇંચ, દાંતીવાડામાં ૭.૦૯ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના થાનગઢમાં ૭.૦૯ ઇંચ અને વાંકાનેરમાં ૬.૯૩ ઇંચ તેમજ સૂઈ ગામમાં ૬.૮૧ ઇંચ જેવો ભારે વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં મધુવન ડેમના ૮ દરવાજા હજુ ખુલ્લા રાખવામાં આવ્યા છે, અને ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૫.૪૬ ફુટ ઉપર પહોંચી છે.
સત્તાવાર રીતે મળતી અન્ય વિગતો અને સવાર સુધીના નોંધણીય બનાવો જોઈએ તો, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ખેડા જિલ્લાના માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે અને એકબીજા ગામને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રાહત સામગ્રી ઝડપી પહોંચાડવા તંત્રને સૂચના આપી છે.
વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
આ ઉપરાંત બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગની આગામી આગાહી મુજબ, રાજસ્થાન પર સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં હજુ વરસાદી માહોલ યથાવત રહેશે. આજે ૨૫ જુલાઈના રોજ રાજ્યના સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા સહિતના ૮ જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી સાથે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે રાજ્યના અન્ય ૧૪ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' અપાયું છે અને આગામી ૬ દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
