<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

મહેસાણાના જંત્રાલ ગામના વતની મેઘના પટેલની ગોળી મારીને ઘાતકી હત્યા, સમગ્ર ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું

હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે હજુ અકબંધ, પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસનો ધમધમાટ શરૂ કર્યો, પરિવારમાં ભારે આઘાતની લાગણી

મહેસાણા: મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના મૂળ વતની અને ખૂબ જ સરળ સ્વભાવ ધરાવતા મેઘના પટેલની અજાણ્યા હુમલાખોર દ્વારા ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવતા ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનાના સમાચાર જંત્રાલ ગામમાં પહોંચતા જ સગાસંબંધીઓ અને સમગ્ર ગ્રામજનોમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી અને હત્યાનું કારણ રહસ્યમય બન્યું છે. પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય તમામ પુરાવાઓ એકત્રિત કરીને ગુનેગારો સુધી પહોંચવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

જંત્રાલ ગામના લોકો અને સગાસંબંધીઓએ આ ઘટનાને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર મેઘના પટેલ ખૂબ જ પ્રેમાળ અને પરિવારપ્રેમી સ્વભાવના હતા. તેમની અચાનક થયેલી હત્યાએ સૌને ઊંડા આઘાતમાં મૂકી દીધા છે. હાલ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે તેવી શક્યતા છે.*

(12:23 AM IST)