તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૩૫ તાલુકામાં સાર્વત્રિક વરસાદ
કઠલાલ અને વઘઈમાં બે ઇંચથી વધુ પાણી વરહ્યું, બાલાસિનોરમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો

ગાંધીનગર: શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતના ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે, જેના પરિણામે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના કુલ ૧૩૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, આ વરસાદને કારણે વાતાવરણમાં સુખદ ઠંડક પ્રસરી ગઈ છે અને અવિરત પાણી વરહવાને લીધે નીચાણવાળા વિસ્તારો તથા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અડધા ઇંચથી વધુ, જ્યારે કઠલાલ અને ડાંગના વઘઈ તાલુકામાં બે ઇંચથી વધુ નોંધપાત્ર વરસાદ પડવાથી કુદરતી સૌંદર્ય અને જળાશયોમાં નવા નીર આવ્યા છે.
આ ઉપરાંત, રાજ્યના અન્ય ૧૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બાકીના ૧૨૧ તાલુકાઓમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ નોંધાયો છે, જેના કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓ જીવંત બન્યા છે. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને નાગરિકોને ઉકળાટમાંથી રાહત મળી છે.
આ મેઘકૃપાથી અષાઢી અને શ્રાવણી પાક લેતા ખેડૂતોમાં ભારે આનંદની લહેર દોડી ગઈ છે, કેમ કે આ પાણી ચોખા, કપાસ, મગફળી અને શાકભાજી જેવા પાકો માટે અત્યંત ગુણકારી સાબિત થયું છે. આગામી સમયમાં જળાશયો અને તળાવોમાં જળસંગ્રહ વધવાથી પીવાના પાણી તેમજ સિંચાઈની સમસ્યા હલ થવાની પૂરી સંભાવના છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
