તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: સુરત બે ઈંચ અને નવસારીમાં માત્ર બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
ઉમરપાડા, ધરમપુર, અંકલેશ્વર, ખેરગામ અને ચીખલી સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 14 તાલુકામાં એકથી અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. તાપીના વાલોડમાં સૌથી વધુ અઢી ઈંચ અને વલસાડના ઉમરગામમાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે.
સુરત શહેર, ઉમરપાડા, ધરમપુર, અંકલેશ્વર, ખેરગામ અને ચીખલી સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે 19 જુલાઈએ સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ 6 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. નવસારીમાં માત્ર બે કલાકમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી અસહ્ય ગરમી બાદ વરસાદથી તાપમાનમાં ઘટાડો થતાં લોકોને મોટી રાહત મળી છે.
સુરત શહેરમાં વહેલી સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. થોડા જ સમયમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉધના રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. વેસુના VIP રોડ વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રિક્ષાચાલકો અને અન્ય વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પરત ફરવાની ફરજ પડી હતી.
વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલીક જગ્યાએ મજબૂત ગટર અને પાણી નિકાલની વ્યવસ્થા વિના કામગીરી થવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. ઉધના-નવસારી રોડ પર પણ સામાન્ય વરસાદમાં એક તરફ પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે.
નવસારીમાં બે કલાકમાં 1.39 ઈંચ વરસાદ પડતાં માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. જોકે વરસાદ બંધ થતાં પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા. અમદાવાદ અને જૂનાગઢમાં પણ મોડીરાત્રે મેઘમહેર જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદને કારણે ગરમીમાં રાહત મળી છે. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવાની શક્યતા છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
