<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

મેઘતાંડવની આશંકાઃ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના ૮ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગામી ૬ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના, નીચાણવાળા વિસ્‍તારોને સાબદા કરાયા

 

સવારે ૯:૩૦ વાગે લેવાયેલ ઇન્‍સેટ તસ્‍વીરમાં ગુજરાત તરફ વાદળોનો સમુહ ધસમસી રહેલ જોવા મળે છે

 અમદાવાદઃ રાજયમાં ચોમાસું ફરી એકવાર રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૬ દિવસ સુધી રાજયના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની વ્‍યાપક આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેદ્યરાજા ધબધબાટી બોલાવશે તેવી આશંકાને પગલે કુલ ૮ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્‍યું છે.

સંભવિત પૂર અને તારાજીની સ્‍થિતિને પહોંચી વળવા માટે સ્‍થાનિક વહીવટી તંત્રને અત્‍યારથી જ હાઈ-એલર્ટ પર મૂકી દેવામાં આવ્‍યું છે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, દરિયાકાંઠાના વિસ્‍તારોમાં અને દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં આગામી દિવસો ભારે સાબિત થઈ શકે છે. ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડનારા આ વરસાદને કારણે નદી-નાળાઓ છલકાવાની અને નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવના છે. પરિસ્‍થિતિની ગંભીરતાને જોતાં માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે, તેમજ કાંઠા વિસ્‍તારના ગામોને પણ સાબદા રહેવા જણાવાયું છે.

કંટ્રોલ રૂમ કાર્યરત કરીને એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.   ની ટીમોને પણ તૈનાત રહેવાના આદેશ આપી દેવાયા છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નદી કિનારા કે જોખમી સેલ્‍ફી પોઇન્‍ટ્‍સથી દૂર રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આગામી છ દિવસ ગુજરાત માટે ભારે કટોકટીપૂર્ણ રહેવાના સંકેતો મળી રહ્યા છે.

(11:11 AM IST)