તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 2nd August 2026
સાબરકાંઠામાં મેઘતાંડવઃ ડેભોલ નદીના પૂરમાં કાર તણાઈ, હાથમતી વિયર ઓવરફ્લો
મુસળધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર; અનેક વિસ્તારોમાં જળબંબાકાર, તંત્રે નદી-નાળાથી દૂર રહેવા કરી અપીલ

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને વડાલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ડેભોલ નદીમાં આવેલા પૂરના પ્રવાહમાં એક કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે, જ્યારે હાથમતી વિયર સંપૂર્ણપણે ઓવરફ્લો થતાં નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
ઈડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેભોલ નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પૂરના જોરદાર પ્રવાહમાં એક કાર તણાઈ જતાં સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. ઈડર-વલાસણા હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં પણ પાણી ઘૂસી જતાં સરકારી કામગીરીને અસર પહોંચી છે.
હિંમતનગર અને પ્રાંતિજ પંથકમાં વરસેલા વરસાદને કારણે હાથમતી વિયર ઓવરફ્લો થયો છે. બીજી તરફ, પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાંથી પસાર થતી ખારી નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે, વરસાદી આફત વચ્ચે પ્રાંતિજના સાંપડ ગામ નજીક સાબરમતી નદીમાં માછલી પકડવા ગયેલો એક યુવક પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાંતિજ ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા ૧૫ કલાકથી યુવકની શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
ઈડર અને વડાલી વિસ્તારમાં ભારે વરસાદ સાથે ઈડરિયા ગઢના ડુંગરો કાળા વાદળોથી ઘેરાઈ જતા મનમોહક કુદરતી દૃશ્યો સર્જાયા હતા. જોકે, ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહ્યું છે. સાથે જ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
