તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 5th July 2026
મહેસાણામનપાએ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એજન્સી પાસેથી પરત આચકયુઃ લાખોનીડિપોઝિટ જપ્ત કરાશે
લાખો રૂપિયાનું ભાડુ બાકી હોવાથી તંત્રએ લીધો કડક નિર્ણયઃ વારંવાર સુચના આપવામાં આવી હતી

મહેસાણા: મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને સુવિધાના કામોમાં બેદરકારી દાખવનારાઓ સામે હવે લાલ આંખ કરવામાં આવી છે. શહેરીજનોને રમતગમતની ઉત્તમ સુવિધા મળી રહે તે હેતુથી સોંપવામાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના સંચાલનમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે.
ખાનગી એજન્સી દ્વારા કરારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા આખરે તંત્રએ મોટો વહીવટી નિર્ણય લીધો છે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું સંચાલન કરતી એજન્સી સમયસર ભાડું ચૂકવવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે મનપાએ કડક વલણ અપનાવી આખું મેદાન તાત્કાલિક અસરથી પોતાના હસ્તક પરત લઈ લીધું છે.
મળતી વિગતો મુજબ, સંબંધિત એજન્સી પાસે મહેસાણા મહાનગરપાલિકાના આશરે 15 થી 16 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ભાડા પેટે બાકી નીકળે છે. વારંવારની સુચના છતાં આ રકમ ન ભરાતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ. બી. મંદોરીના માર્ગદર્શન હેઠળ કડક પગલાં ભરવામાં આવ્યા છે. મનપા હવે એજન્સી દ્વારા અગાઉ જમા કરાવવામાં આવેલી 12 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ સંપૂર્ણપણે જપ્ત કરશે. એટલું જ નહીં, પરંતુ બાકી બચેલી રકમની વસૂલાત કરવા માટે એજન્સી સામે કોર્ટમાં કાનૂની રાહે કેસ દાખલ કરવામાં આવશે અથવા તો તેની અન્ય પ્રોપર્ટી પર બોજો દાખલ કરીને મનપા એક-એક રૂપિયો વસૂલશે.
આ આકરી કાર્યવાહી પાછળ માત્ર આર્થિક લેણાં જ નહીં, પરંતુ ગ્રાઉન્ડની નબળી જાળવણી પણ મુખ્ય કારણ છે. એજન્સી દ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું યોગ્ય મેન્ટેનન્સ ન રાખવામાં આવતા રમતવીરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મેદાનની દુર્દશા અને વ્યવસ્થાના અભાવ અંગેની ફરિયાદો મનપા સુધી પહોંચી હતી. આ તમામ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે મહેસાણા મહાનગરપાલિકાએ હવે આ રમતનું મેદાન કોઈ ત્રીજી પાર્ટીને આપવાને બદલે પોતાના હસ્તક રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં રમતગમતના આ મેદાનનું સંચાલન મનપા જાતે જ કરશે જેથી સ્થાનિક ખેલાડીઓને શ્રેષ્ઠ વાતાવરણ મળી રહે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
