<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

મહેસાણા સતલાસણા: ભાણાવાસ ડેરીના પ્રમુખના એકતરફી નિર્ણયથી પશુપાલકોનો રોષ આસમાને : 4 દિવસથી દૂધ ન સ્વીકારાતા રસ્તા પર હજારો લીટર દૂધ વહાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

સતલાસણા તાલુકાની ભાણાવાસ ગ્રામ ડેરીમાં પ્રમુખે દૂધ બંધ કરતા 200+ પશુપાલકોને આર્થિક ફટકો; પશુપાલકોનો આક્ષેપ - વારંવાર રજૂઆત છતાં સાંભળવામાં ન આવતા આક્રોશમાં રસ્તા પર દૂધ ઠાલવ્યું, ડેરી પ્રમુખના રાજીનામાની માંગ સાથે આંદોલનની ચીમકી

મહેસાણા તા.૧૯ : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામની ગ્રામ ડેરીમાં છેલ્લા 4 દિવસથી સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ડેરીના પ્રમુખ દ્વારા અચાનક દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાતા 200થી વધુ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

પશુપાલકોનો આક્ષેપ છે કે ભાણાવાસ ડેરીના પ્રમુખે કોઈ કારણ આપ્યા વિના અને કોઈ નોટિસ વિના ગત 4 દિવસથી તેમની પાસેથી દૂધ લેવાનું બંધ કરી દીધું છે. રોજના 3000-4000 લીટર દૂધ એકત્ર કરતી આ ડેરીમાં સ્થાનિક પશુપાલકો વર્ષોથી દૂધ આપે છે. અચાનક દૂધ બંધ થતા તેમને દરરોજ હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પશુપાલકોએ જણાવ્યું કે તેઓ પ્રમુખને વારંવાર મળ્યા, રજૂઆત કરી, પણ કોઈ નક્કર જવાબ કે ઉકેલ આપવામાં આવ્યો નહીં. “અમારી પાસે પશુઓ માટે ઘાસચારો અને પશુઆહાર ખરીદવાના પૈસા પણ નથી રહ્યા. દૂધ ન વેચાય તો અમે ક્યાં જઈએ?” - એક પશુપાલકે રોષ વ્યક્ત કર્યો.

આજે સવારે આક્રોશિત પશુપાલકો ડેરીની બહાર એકઠા થયા. પ્રમુખ સામે સૂત્રોચ્ચાર કર્યા બાદ તેઓએ પોતાના પાત્રોમાં ભરેલું દૂધ સીધું રસ્તા પર ઠાલવી દીધું. હજારો લીટર દૂધ રોડ પર વહી જતા દ્રશ્યો ભાવુક કરી દેનારા હતા. પશુપાલકોએ કહ્યું કે “દૂધ વેચવા ન મળે તો ઠાલવી દેવું વધુ સારું, પણ પ્રમુખની તાનાશાહી નહીં સહન કરીએ.”

      પ્રમુખ તાત્કાલિક દૂધ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચે અને પહેલાની જેમ દૂધ સ્વીકારવાનું શરૂ કરે,4 દિવસનું થયેલું નુકસાન ભરપાઈ કરે,પારદર્શિતા સાથે દૂધ સ્વીકારની નીતિ નક્કી કરે,જો માંગ ન સ્વીકારાય તો ડેરી પ્રમુખે રાજીનામું આપવું.

 

પશુપાલકોએ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મહેસાણા-સતલાસણા હાઇવે બંધ કરીને મોટું આંદોલન કરવામાં આવશે. સાથે જ દૂધસાગર ડેરી કચેરી આગળ ધરણા પણ કરાશે.

આ ઘટનાની જાણ થતા જ સતલાસણા પોલીસ અને મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો કરાયા. તંત્ર હવે ડેરી પ્રમુખ અને પશુપાલકો વચ્ચે બેઠક ગોઠવીને સમાધાનનો રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં દૂધસાગર ડેરીના સાગર દાણના ભાવવધારા બાદ ભાણાવાસનો આ વિવાદ સહકારી ક્ષેત્રમાં નવો વિવાદ સર્જ્યો છે. સમગ્ર મામલા પર હાલ તમામની નજર છે. 

 

(4:25 PM IST)