તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 30th July 2026
મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦ કરોડથી વધુની ઠગાઈ
બંટી-બબલીએ બોગસ દસ્તાવેજોના આધારે ગીરો મિલકત વેચી દીધી

મહેસાણા તા.૩૦: સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત બેંક સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના મહેસાણાથી સામે આવી છે. મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦ કરોડથી વધુની માતબર રકમનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલતા સહકારી અને નાણાકીય જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદના રહેવાસી રાજેશ પટેલ અને હેતલબેન નામના દંપતી સામે બોગસ દસ્તાવેજો બનાવીને બેંક સાથે વિશ્વાસઘાત કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથધરી છે. આરોપી દંપતીએ બેંકમાંથી મોટા પ્રમાણમાં લોન મેળવવા માટે પ્રક્રિયા કરી હતી. આ લોન મેળવતી વખતે વડોદરા ખાતે આવેલી કેટલીક દુકાનો અને મિલકતો બેંકમાં ગીરો (મોર્ગેજ) મૂકવામાં આવી હતી.
નિયમ મુજબ લોનની સંપૂર્ણ રકમ પરત ન થાય અથવા બેંકની મંજૂરી વગર આ ગીરો મૂકેલી મિલકતો અન્ય કોઈને વેચી શકાતી નથી. પરંતુ આ ઠગ દંપતીએ કાયદાને નેવે મૂકીને બેંકની જાણ બહાર જ વડોદરાની ગીરો મિલકતો અન્યત્ર વેચી નાખી હતી અને બેંક સાથે ગંભીર પ્રકારની છેતરપિડી આચરી હતી.
માત્ર મિલકત વેચી દેવા પૂરતું જ નહીં, પરંતુ બેંકમાંથી લોન તરીકે લીધેલા કરોડો રૂપિયાનો ઉપયોગ નિયત હેતુ માટે કરવાને બદલે અન્યત્ર બિનકાયદેસર જગ્યાએ રોકાણ કરીને અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જ્યારે બેંક દ્વારા હિસાબો અને મિલકતોની ચકાસણી કરવામાં આવી ત્યારે આ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેના પગલે બેંકના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ગંભીર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓ સામે છેતરપિડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો ઊભા કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરાર દંપતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ આ નાણાકીય કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
