તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં મહેસાણાનો ડંકો : પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા 'પ્રોજેક્ટ પાથ'ની સફળતા ૪૦મા રાષ્ટ્રીય 'ગુડ ગવર્નન્સ વેબિનાર'માં રજૂ કરાઈ
ભારત સરકારના DARPG દ્વારા આયોજિત રાષ્ટ્રીય વેબિનારમાં મહેસાણા મોડેલની મુક્તમને પ્રશંસા : દેશના અન્ય રાજ્યો માટે 'પ્રોજેક્ટ પાથ'નું સાહિત્ય હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતરિત કરવા માંગ

મહેસાણા:ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG, નવી દિલ્હી) દ્વારા આયોજિત ૪૦મા રાષ્ટ્રીય 'ગુડ ગવર્નન્સ વેબિનાર'માં સમગ્ર દેશમાંથી માત્ર મહેસાણા જિલ્લાના સફળ શૈક્ષણિક મોડેલનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીના સરદાર પટેલ ભવનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ મુજબ પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે હાથ ધરાયેલા પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા 'પ્રોજેક્ટ પાથ' (Project PATHA - Samagra Shiksha) ની અસાધારણ સફળતા અને વિસ્તરણની ગાથા દેશભરના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તત્કાલીન કલેક્ટર એમ. નાગરાજન, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ અને તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ગૌરાંગ સી. વ્યાસના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧થી શરૂ થયેલા 'પ્રોજેક્ટ પાથ'ને તેની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ વર્ષ ૨૦૨૩માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે આ સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર મહેસાણા સમગ્ર ગુજરાત રાજ્યનો એકમાત્ર જિલ્લો છે.
વેબિનારમાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને તત્કાલીન મહેસાણા કલેક્ટર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, 'નિપુણ ગુજરાત' અંતર્ગત બાલવાટિકાથી ધોરણ-૫ માટે લેવાયેલ બાહ્ય મૂલ્યાંકનમાં મહેસાણા જિલ્લાના ૪૫.૭ ટકા વિદ્યાર્થીઓ 'નિપુણ' કેટેગરીમાં આવ્યા છે, જે રાજ્યની સરેરાશ કરતાં ૧૦.૧૦ ટકા વધારે છે.
મહેસાણાના વર્તમાન કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, એવોર્ડ મળ્યા બાદ પણ 'ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ', 'પ્રોજેક્ટ ગિફ્ટ' અને 'વાંચનથી વિકાસ' જેવા નવા પ્રકલ્પો ઉમેરી શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવાયું છે. જેના લીધે SAT અને ગુણોત્સવ ૨.૦ ના પરિણામોમાં સુધારો થયો છે તથા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માં વિક્રમજનક ૪,૬૧૪ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પામ્યા છે. DPEO ડૉ. શરદ ત્રિવેદીએ આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ અંગે માહિતી રજૂ કરી હતી.
'વાંચનથી વિકાસ' અંતર્ગત થયેલી કામગીરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવવામાં આવી છે. આ વર્ષે 'પ્રોજેક્ટ પાથ'નું મૂળ સાહિત્ય ગુજરાત સરકારના 'નિપુણ અભિયાન'માં સ્વીકારવામાં આવ્યું છે, જેનો લાભ આજે સમગ્ર રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે.
DARPG ના એડિશનલ સેક્રેટરી પુનીત યાદવે મહેસાણા મોડેલની મુક્ત મને પ્રશંસા કરતા કહ્યું હતું કે, એવોર્ડ મળ્યાના પાંચ વર્ષ પછી પણ કોઈ પ્રોજેક્ટ પર આટલી નિષ્ઠાથી કાર્ય ચાલુ હોય તેવો આ દેશનો અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તેમણે દેશના અન્ય રાજ્યો પણ આ સફળ મોડેલ અપનાવી શકે તે માટે FLN સાહિત્યને હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ભાષાંતરિત કરવા માંગ કરી હતી. આ પ્રસંગે કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, DPEO ડૉ. શરદ ત્રિવેદી અને તેમની ૨૦ સભ્યોની કોર ટીમ સહિત સમગ્ર 'ટીમ મહેસાણા'ની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી હતી.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
