<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

હવામાન વિભાગની મોટી આગાહી : આગામી ૩ કલાકમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ૪૧ થી ૬૧ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા

સુરત, તાપી, ડાંગ અને ભાવનગરમાં મધ્યમ વરસાદની શક્યતા : જ્યારે રાજકોટ, જામનગર, કચ્છ, ગાંધીનગર અને અમદાવાદ સહિત રાજ્યના અન્ય ૨૮ જિલ્લાઓમાં હળવા વરસાદની નાવવકાસ્ટ ચેતવણી જાહેર

અમદાવાદ, તા. ૭ જુલાઈ : ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત અમદાવાદ એરપોર્ટ સ્થિત હવામાન કેન્દ્રના ડાયરેક્ટર દ્વારા આજે સવારે ૦૭:૦૦ વાગ્યે આગામી ત્રણ કલાક માટેની તાકીદની નવકાસ્ટ (Nowcast) વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળીના ભારે ચમકારા સાથે વરસાદી માહોલ વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વલસાડ-નવસારી પંથકમાં વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની હાઈ પ્રોબેબિલિટી:
હવામાન વિભાગની યાદી મુજબ, આગામી ત્રણ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ૧૫ મીમી પ્રતિ કલાકથી વધુની તીવ્રતા ધરાવતો અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન મધ્યમ કક્ષાનું વાવાઝોડું સક્રિય રહેશે, જેમાં સપાટી પરના પવનની ગતિ ૪૧ થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાક (ઝોક સાથે) રહેવાની પ્રબળ શક્યતા છે. આ વિસ્તારોમાં વાદળથી જમીન પર ત્રાટકતી વીજળી (Cloud to ground Lightning) પડવાની સંભાવના ૬૦ ટકાથી પણ વધુ (હાઈ પ્રોબેબિલિટી) દર્શાવવામાં આવી છે.

સુરત, તાપી, ડાંગ અને ભાવનગર જિલ્લા માટે મધ્યમ વરસાદની ચેતવણી:
રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના જુદા-જુદા સ્થળોએ ૫ થી ૧૫ મીમી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ચારેય જિલ્લાઓમાં પણ ૪૧ થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વીજળી પડવાની મધ્યમ સંભાવના (૩૦ થી ૬૦ ટકા પ્રોબેબિલિટી) સેવાઈ રહી છે.

રાજકોટ, અમદાવાદ અને કચ્છ સહિત ૨૮ જિલ્લાઓમાં હળવા ઝાપટાંની શક્યતા:
હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, રાજ્યના બાકીના મોટાભાગના વિસ્તારોમાં આગામી કલાકોમાં ૫ મીમી પ્રતિ કલાકથી ઓછી તીવ્રતા વાળો હળવો વરસાદ પડી શકે છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. આ ૨૮ જિલ્લાઓમાં પવનની ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે અને વીજળી પડવાની સંભાવના ૩૦ ટકાથી પણ ઓછી નહિવત જેવી રહેશે.
નાગરિકોને હવામાનના પલટાતા મિજાજ અંગે સતત અપડેટ રહેવા માટે વિભાગની સત્તાવાર વેબસાઇટ્સની મુલાકાત લેવા જણાવાયું છે.

(8:26 AM IST)