<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

દરિયામાં સક્રિય ચોમાસાની સિસ્ટમના પગલે હવામાન વિભાગની મોટી ચેતવણી : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બંદરો પર ૩ નંબરનું સિગ્નલ ચડાવાયું : માછીમારો અને બંદર અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના

ગાંધીનગર કંટ્રોલ રૂમ દ્વારા ઇમેઇલથી મળેલી તાકીદની સૂચના બાદ જાફરાબાદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર લોકલ 'કોશનરી' સિગ્નલ-૩ લગાવવામાં આવ્યું : ખરાબ હવામાન અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા

જાફરાબાદ: ગુજરાતના દરિયાકાંઠે સક્રિય ચોમાસાની પરિસ્થિતિને કારણે દરિયામાં તોફાની અને ખરાબ હવામાન સર્જાવાની શક્યતાઓને પગલે બંદર તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વડી કચેરી, ગાંધીનગરના કંટ્રોલ રૂમ દ્વારા તા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ સમય ૧૩:૦૫ કલાકે ઇમેઇલ મારફતે મળેલ સૂચના મુજબ જાફરાબાદ બંદર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ બંદરો પર સિગ્નલ નંબર-૦૩ (LC-III : Local Cautionary Signal) ચડાવવામાં આવ્યું છે.

બંદર અધિકારી, જાફરાબાદ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ૨૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ બપોરે ૧૩:૦૦ કલાકે 'પોર્ટ વોર્નિંગ નંબર-૧' (Port Warning No-1) જારી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારોમાં એક્ટિવ મોન્સૂન કન્ડિશનના કારણે સ્ક્વોલી વેધર (પવન સાથે ભારે વરસાદી તોફાન) ની સ્થિતિ સર્જાવાની ભીષણ શક્યતા છે. આથી સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે તમામ સંબંધિતોને લોકલ કોશનરી સિગ્નલ-૩ ચડાવીને સતર્ક કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આ સૂચના બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કાંઠાના મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ સહિતના તમામ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લાગુ કરી દેવાયું છે. દરિયામાં કરંટ અને તોફાની પવનોની શક્યતા હોવાથી બંદર વિસ્તારના લાઈટહાઉસ તેમજ સંબંધિત કચેરીઓ ખાતે સિગ્નલ દર્શાવીને દરિયાઈ વાહનવ્યવહાર, બોટચાલકો અને માછીમારોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.

(8:39 PM IST)