તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ગુજરાતમાં ચોમાસાના આગમન અને પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંગે હવામાન વિશ્લેષક ગૌરવ રાણીંગાનું મોટું પૂર્વાનુમાન : અંદામાનમાં ચોમાસાની વહેલી એન્ટ્રી, ૨૬ મે બાદ કેરળ પહોંચશે
૨૦ મે પછી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા ઝાપટાંની સંભાવના : જૂન મહિનામાં મોટા વરસાદની ઓછી શક્યતા હોવાથી ખેડૂતોને સમજી-વિચારીને વાવણીનું આયોજન કરવા સલાહ

રાજકોટ : હવામાન વિશ્લેષક ગૌરવ રાણીંગા દ્વારા ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી અને ચોમાસાના આગમનની સંભવિત તારીખો અંગેનું મહત્વનું આગોતરું એંધાણ વ્યક્ત કરવામાં આવ્યું છે. હાલના વેધર ચાર્ટ અને એનાલિસિસ મુજબ, આ વર્ષે ચોમાસું તેના નોર્મલ સમય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે. આજે અંદામાન-નિકોબાર ટાપુઓ પર ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરી ચૂક્યું છે. જ્યારે કેરળમાં આગામી ૨૬ મે બાદ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા ૨૯ થી ૩૦ મે સુધીમાં ચોમાસું દસ્તક દે તેવી મજબૂત સ્થિતિ દેખાઈ રહી છે.
અરબ સાગરમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના:
હવામાનના વર્તમાન પરિબળો જોતા ૧૯ મે બાદ અરબ સાગરમાં મોન્સુન કરંટ વધુ સક્રિય બનશે. જેના કારણે દક્ષિણ અરબ સાગરમાં ૨૦ થી ૨૨ મેની આસપાસ લક્ષદ્વીપ અને તેની નજીકના દરિયાઈ વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પવનનું ગૂંચળું) બનવાની શક્યતા છે. જો કે, હાલના તબક્કે આ સિસ્ટમ ખૂબ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ નહિવત છે. છતાં પણ, પ્રિ-મોન્સુન ગાળા દરમિયાન વાતાવરણમાં ઝડપથી ફેરફારો થતા હોવાથી આગામી દિવસોમાં આ સિસ્ટમની ગતિવિધિ પર નજર રાખવી જરૂરી બનશે.
મે મહિનાના અંતિમ સપ્તાહમાં ગાજવીજ સાથે હળવો વરસાદ:
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની વાત કરીએ તો, ૨૦ મે પછી રાજ્યના દરિયાકાંઠાના સીમિત વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે અને તેની સાથે જ છાંટાછૂટ કે હળવા ઝાપટાંની શરૂઆત થઈ શકે છે. હાલના અંદાજ પ્રમાણે પ્રિ-મોન્સુન એક્ટિવિટી બહુ મોટા વિસ્તારમાં ફેલાય તેવી સંભાવના ઓછી છે, પરંતુ મે મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ નોંધાઈ શકે છે. અરબ સાગરમાં બનનારી સિસ્ટમની દિશા કેવી રહે છે, તેના આધારે પ્રિ-મોન્સુન એક્ટિવિટીના વ્યાપમાં વધઘટ જોવા મળી શકે છે.
ખેડૂતો માટે વાવણી અંગે ખાસ સૂચના અને સંભવિત તારીખો:
કેરળમાં આગમન થયા બાદ ચોમાસાની આગળ વધવાની ગતિ થોડી ધીમી પડવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસું તેના સામાન્ય સમયે અથવા તો થોડું મોડું પહોંચી શકે છે. ચોમાસાની શરૂઆત થોડી નબળી રહેવાના સંકેતો છે અને જૂન મહિનામાં કોઈ મોટા કે ભારે વરસાદની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ખેડૂતમિત્રોએ ઉતાવળ કર્યા વગર વાવણી અને ખેતીકામનું આયોજન કરવું હિતાવહ રહેશે.
રાજ્યમાં ચોમાસાના પ્રારંભની સંભવિત તારીખો નીચે મુજબ અંદાજવામાં આવી છે:
દક્ષિણ ગુજરાત: ૧૮ થી ૨૨ જૂન દરમિયાન ચોમાસું બેસી શકે છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત: ૨૪ થી ૨૬ જૂન આસપાસ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.
આ તમામ પૂર્વાનુમાન વર્તમાન હવામાનના મોડલ ચાર્ટ આધારિત હોવાથી આગામી દિવસોમાં કુદરતી પરિબળો બદલાતા તેમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે. આથી, નાગરિકો અને ખેડૂતોએ પોતાના વ્યવસાયિક તેમજ ખેતીના કાર્યો માટે સત્તાવાર હવામાન વિભાગની માહિતીને જ આધારભૂત માનવી.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
