News of Saturday, 25th July 2026
સરકારના વિરોધની પદ્ધતિ લોકતંત્રને શોભે એવી હોવી જોઇએ : ભૂપેન્દ્રસિંહજી
પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીને દેશમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેખાય છે..

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ખાસ કરીને જંતર મંતર રોડ ઉપર જે ઘટનાક્રમે આકાર લીધો, તેનો વિચાર કરીએ ત્યારે પ્રશ્ન એ થાય કે નીટ પરીક્ષાના પેપર લીકના વાજબી પ્રશ્ને આગળ ધરીને શરૂ થયેલા કહેવાતા આંદોલને જે રીતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, તેમાં સામાન્ય વિદ્યાર્થીનું હિત કેટલું અને આ દેશમાં અરાજકતા ફેલાવનાર તત્વોનું હિત કેટલું? માત્ર આ દેશના જ નહીં પરંતુ વિદેશમાં રહીને ભારતવર્ષની પ્રગતિ સાંખી નહી શકનાર કેટલાક તત્વો જાણે ટાંપીને બેઠા હોય એવા કેટલાક અસામાજિક અને રાષ્ટ્રવિરોધી તત્વોએ જંતર મંતર રોડ પરના દેખાવો પર કબજો મેળવીને હિંસક પ્રદર્શન કર્યું તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ દેશને રાજકીય અને સામાજિક રીતે અસ્થિર કરનાર તત્વો વ્યૂહાત્મક રીતે સક્રિય થઈ રહ્યા છે.
આંદોલનના નામે હિંસા ફેલાવતાં દ્રશ્યોને જોઈને કોઈ ન કહે કે આ વિદ્યાર્થીઓનું આંદોલન છે, કોઈ એમ પણ નહિ કહી શકે કે આ પ્રકારના અભિગમથી પેપર લીક સંબંધી જે કંઈ પ્રશ્નો ઉભા થયા તેનું નિરાકરણ આવશે. નિરાકરણ માટેનો માર્ગ સંવાદનો ભૂલીને જે રીતે રાષ્ટ્ર વિરોધી તત્વોએ આતંક ફેલાવ્યો, સુરક્ષા કર્મીઓ પર જે રીતનો પથ્થરમારો, જીવલેણ હુમલાઓ થયા, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ તત્વોનો મૂળ હેતુ દેશમાં કાયદો અને વ્યવસ્થા ના શાસન સામે પડકાર ફેંકીને કરીને દેશમાં અસ્થિરતા પેદા કરવાનો છે.
માત્ર કાગળ ઉપરની કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ ચાલી રહેલા આંદોલનમાં સામાજિક આગેવાનો, પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત અને વિદ્વાન, મર્યાદિત સર્કલમાં લોકપ્રિય એવા અનેક લોકો જે રીતે આ ઘટનાક્રમમાં જોડાયા, આ એ જ વર્ગ છે, જેમણે ભૂતકાળમાં પોતાની સ્વતંત્ર વિચારધારાના ઓઠા હેઠળ દેશનું શાસન નબળું પડે એવા પ્રયાસોમાં સમર્થન આપીને વિવાદિત બની ચૂકયા છે. આવા લોકોએ
આ આંદોલનના કાર્યક્રમમાં સામેલ થઈને જે રીતે પ્રવચનો કે વિધાનો કર્યા તેના પરથી સ્પષ્ટ થાય છે કે આવા લોકો લોકતાંત્રિક પ્રણાલીથી ચૂંટાયેલી લોકપ્રિય સરકારને લોકતંત્રના માધ્યમથી હટાવી શકવા માટે સક્ષમ નથી, તે હવે દેશમાં અરાજકતા ફેલાવીને દેશના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને કહેવાતા અન્યાય સામે ન્યાય અપાવવાની વાતો કરીને દેશને અરાજકતાની ગર્તમાં ધકેલવાનું નિમ્ન કક્ષાનું કાર્ય કરી રહ્યા છે. આ એટલા માટે કહેવું પડે છે કે અહીંયા જે કંઈ પ્રવચનો થયા તેમાં મુખ્ય મુદ્દો જ હડસેલી દેવાયો. ભાષણોમાં પ્રભુ શ્રીરામ અને માતા સીતાજીનું અપમાન કરાયું.
આ એ જ વર્ગ છે કે જેઓ અગાઉ શાહીનબાગ કે કિસાન આંદોલન દરમિયાનના આંદોલનોમાં પણ હતા અને અહીં પણ છે જ. આ દેશની જનતા બધું જ જાણે છે આ દેશની જનતાને નિરક્ષિર વિવેક પારખીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતા આવડે છે. સરકારના વિરોધનો કોઈને પણ અધિકાર છે. તેઓનો હક પણ છે પરંતુ તેની પ્રણાલી આ દેશના લોકતંત્રને શોભે તે રીતે લોકતાંત્રિક હોવી જોઈએ, હિંસાત્મક નહીં..
મૂળ વાત એ છે કે વૈશ્વિક કક્ષાએ ભારતની વધતી જતી શાખ અમેરિકા સહિત અનેક દેશોને આંખના કણાની જેમ ખૂંચે છે. જે બે-ત્રણ મુદ્દે ભારતથી અન્ય દેશો અકળાય છે તેમાં ભારતની વધતી જતી શાખ અને એફસીઆરએમાં એટલે કે ફોરેન રેગ્યુલેટરી એક્ટ અમઙમેન્ટ બિલ નો સમાવેશ થાય છે. આ બિલ મારફતે ભારતમાં વિવિધ સહાય માટે ઠલવાતાં નાણાંનો ઉપયોગ ભારતમાં જન્મ લઈ ચૂકેલી ભારત વિરોધી લોબીને આર્થિક તાકાત પૂરી પાડવા માટે કરાય છે.
દેશની જે સંસ્થાઓ આ રીતે વિદેશી સહાય મેળવી રહી છે તેઓ જાણે છે કે સંસદમાં જો આ બિલ પસાર થઈ ગયો તો તેમની મેલી મુરાદ કયારે બહાર આવશે નહીં એટલે હવે તેઓ કોઈ ને કોઈ રીતે દેશમાં અરાજકતા ફેલાય તે માટેના પ્રયાસોમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહભાગી બની રહ્યા છે.
વર્તમાન વિદ્યાર્થી આંદોલનના આગેવાન સોનમ વાંગચૂકની સ્વૈચ્છિક સંસ્થા પણ વિદેશનું ભંડોળ મેળવે છે. તેમની બે એનજીઓ પર પ્રતિબંધ પણ મુકાયેલો છે, તેમની બાકીની એનજીઓ પાસેથી સરકાર નવા અમેડમેન્ટ અનુસાર વિદેશનો પૈસો કયાંથી આવે છે અને કયાં વપરાય છે તેનો હિસાબ માગી શકશે. તેને કોઈપણ તાત્કાલિક બંધ કરાવી શકશે. ટૂંકમાં સરકાર વિદેશી ભંડોળનો ટ્રેક પકડી શકશે.
એકાદ બે દિવસમાં એક બીજો વિડિયો પણ જે રીતે વાયરલ થઈ રહ્યો છે તે છે ખાલીસ્થાનવાદી આતંકી પન્નુનો.. જે ખુલ્લેઆમ કહે છે કે આગામી ૧૫ ઓગસ્ટે મોદીને લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવા દેવામાં નહીં આવે. આ માણસનો ત્યાં સુધી કહે છે કે કોકરોચ પાર્ટીના આંદોલનને મજબૂત કરવા માટે એક મિલિયન ડોલરની આર્થિક સહાય હું કરીશ. (૯.૧૬)
-ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
પૂર્વ કેબીનેટ મંત્રી, ગુજરાત
મો. ૯૯૦૯૦ ૧૮૩૦૩
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
