<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મધ્યમ વર્ગનો ટૂર કેન્સલ કરીને ઓછા ખર્ચમાં ગુજરાતમાં જ વેકેશન માણવાનો ટ્રેન્ડ

ઘરઆંગણે ઓછાં ખર્ચે મજાઃ ડે પિકનિકનું ચલણ વધ્યું: રિસોર્ટની ઈન્કવાયરીમાં ૨૦૦ ટકાનો તોતીંગ વધારોઃ મોદીની અપીલ બાદ દુરની ટૂર્સ કેન્સલ : મોંઘવારી અને સમયને અભાવે હવે અનેક પરિવારોમાં નજીકના સ્થળોએ વીકએન્ડ અથવા બે-ત્રણ દિવસના 'આઉટીંગ'નો ટ્રેન્ડ વધી રહ્યો છે

અમદાવાદ તા.૨૩: વડાપ્રધાન મોદીએ વૈશ્વિક કટોકટીના સમયમાં દેશવાસીઓને વિદેશ પ્રવાસ ન ખેડી દેશ-રાજ્યના સ્થાનિક પર્યટનસ્થળોએ ફરવા જવા જાહેર અપીલ કરી હતી. આ અપીલને અમદાવાદીઓએ આવકારી છે, એટલું જ નહીં, વેકેશનમાં પરિવાર સાથે વિદેશ કે અન્ય રાજ્યોના પ્રવાસન સ્થળોએ જવાને બદલે અમદાવાદની આજુબાજુમાં આવેલા રિસોર્ટમાં જ પરિવાર સાથે વીકએન્ડ ગાળવા અથવા ડે પિકનિકનો વિકલ્પ અપનાવ્યો છે. વડાપ્રધાનની જાહેર અપીલની એવી અસર થઈ છે કે, અમદાવાદ આસપાસ આવેલા રિસોર્ટની ઈન્કવાયરીમાં ૨૦૦ ટકાનો તોતીંગ વધારો થયો છે. ૧૫ દિવસ પહેલા ડે પીકનિક માટે ગણ્યાગાંઠ્યા લોકો પૂછપરછ કરતા હતા, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં વીકએન્ડ(શનિ-રવિ, બે દિવસ) અને ડે પીકનિક માટે ખાસ્સી એવી પૂછપરછ જ નહીં, પરંતુ અનેક પરિવારોએ બુકિગ પણ કરાવી લીધું છે. સાથોસાથ કોર્પોરેટ જૂથો પણ એન્યુઅલ, કોર્પોરેટ મીટિંગ કે અન્ય ઈવેન્ટ માટે રિસોર્ટ બુક કરવા લાગ્યા છે.

ગુજરાતમાં ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ કેટલાક પરિવારોએ વિદેશ પ્રવાસ માટે લક્ષદ્વીપ, મોરેશિયસ, બાલી અને યુરોપના દેશો જ્યારે મધ્યમ વર્ગીય પરિવારોએ દેશમાં જ જમ્મુ-કાશ્મીર, હિમાલચ પ્રદેશ, સિક્કિમ તો કેટલાક ગુજરાતી પરિવારોએ 'સસ્તુ ભાડુ ને સિદ્ધપુરની જાત્રા'ની ઉકિતને અનુસરીને નજીકના આબુ, ઉદેપુર, કુંભલગઢ, જેસલમેર જેવા સ્થળોએ વેકેશન ગાળવાનું આગોતરું આયોજન કર્યું હતું. જેમાંથી કેટલાક પરિવારોને કોઈ કારણસર બુકિગ કે ટિકિટની સમસ્યા થઈ અને એ સમયગાળામાં જ વડાપ્રધાને જાહેર અપીલ કરતા આવા પરિવારોએ ટૂર કેન્સલ કરીને ઓછા ખર્ચમાં ગુજરાતમાં જ મજા માણવાનો નિર્ણય કર્યો. વડાપ્રધાનની અપીલ અને લોકોની પૂછપરછ જોતા રિસોર્ટ માલિકોએ વાજબી ભાવે પેકેજ ઓફર કરીને ધંધો કરવાની તક ઝડપી લીધી છે.

અમદાવાદના એક બુટિક રિસોર્ટના માલિક મિલિન્દ શાહ કહે છે કે, વડાપ્રધાનની અપીલને ગુજરાતીઓએ આવકારી છે, એટલું જ નહીં, અમલમાં પણ મૂકી છે. જાહેર અપીલ બાદ ખૂબ જ ટૂંકા સમયમાં તેમણે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓની છ મોટી ઈવેન્ટ કરી છે અને ૨૦૦થી વધુ ડે પીકનિકના બુકિગ મેળવ્યા છે. તેઓ કહે છે કે, અમારો રિસોર્ટ અન્ય રિસોર્ટ કરતા અલગ-બુટિક રિસોર્ટ છે. જે લોકોને અલગ પ્રકારની અનુભૂતિ કરાવે છે. ઈન્ડોર-આઉટડોર ગેમ્સ અને સ્વિમિગ પુલ સહિતના આકર્ષણ તો ખરા જ. ઈવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, મોંઘવારી અને સમયને અભાવે હવે અનેક પરિવારોમાં નજીકના સ્થળોએ વીકએન્ડ અથવા બે-ત્રણ દિવસના 'આઉટીંગ'નો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેમાં અનેક લોકો પરિવાર સાથે પોતાના બજેટમાં એન્જોય કરે છે. કેટલીક કંપનીઓ પણ લોકલ ડેસ્ટિનેશનમાં ઈવેન્ટ માટે પૂછપરછ કરી રહી છે અને બજેટ મુજબ અમે તેમને આયોજન કરી આપીએ છીએ.

જોકે, ટૂર ઓપરેટરોને દર વર્ષની માફક આ વર્ષે પણ વેકેશનની સિઝન ફળી છે. ઉનાળુ વેકેશનમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર સહિત ઠંડા પ્રદેશોની ટૂર કરાવતા એક ઓપરેટર કહે છે કે, સામાન્ય રીતે પરીક્ષાઓ પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં જ પૂછપરછ અને મોટાભાગે બુકિગ શરૃ થઈ જાય છે. ગુજરાતીઓમાં પહેલેથી જ ઠંડા રાજ્યોમાં વેકેશન માણવાનું ચલણ છે

(10:06 AM IST)