News of Saturday, 18th July 2026
ખનિજ માફિયાઓ પર તંત્રનો પ્રહાર: બાવળામાં ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી, ₹૪.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત
ગેરકાયદે ખનન અને ઓવરલોડ વહન કરતા ૬ હાઈટેક ડમ્પરો ઝડપાયા: નાનોદરા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ચાળવાના ૭ મોટા પ્લાન્ટ્સ સીઝ કરાતા ફફડાટ

અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનન અને કિંમતી ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ ડામવા માટે ખાણ ખનિજ વિભાગે અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો બોલાવ્યો છે. તંત્રની સ્પેશિયલ ટીમે બાવળા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડીને ખનિજ માફિયાઓની કમર તોડી નાખી છે. માત્ર એક જ દિવસમાં હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઇવ દરમિયાન અધિકારીઓએ અંદાજે ₹૪.૬૫ કરોડની કિંમતની ગેરકાયદે મિલકતો, મશીનરી અને ભારે વાહનો સીઝ કરી લેતા ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે.
હાઈવે પર વોચ ગોઠવીને ૬ ડમ્પરો રંગેહાથ ઝડપ્યા:
ખાણ ખનિજ વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓની જુદી-જુદી ટીમોએ અમદાવાદના મુખ્ય માર્ગો અને હાઈવે પર કડક વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન બાવળા-ચાંગોદર હાઈવે પરથી કોઈપણ પ્રકારની કાયદેસરની પાસ-પરમિટ વિના સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા ૪ મોટા ડમ્પરોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રેથલ ગામની સીમમાંથી બ્લેકટ્રેપ ખનિજ ભરેલું એક ઓવરલોડ ડમ્પર અને અમદાવાદ રિંગ રોડ પરથી સાદી રેતી ભરેલું વધુ એક ડમ્પર તંત્રની ઝપટે ચડી ગયું હતું.
ગેરકાયદે ચાલતા ૭ મોટા પ્લાન્ટ્સ પર ફરી વળ્યું સરકારી તંત્ર:
માત્ર વાહનો જ નહીં, પરંતુ ગેરકાયદે ખનનના મૂળ સુધી પહોંચવા માટે ખનિજ વિભાગે બાવળાના નાનોદરા ગામમાં પણ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ગામની સીમમાં કોઈપણ સરકારી મંજૂરી વિના બિનઅધિકૃત રીતે ધમધમતા ખનન અને રેતી ચાળવાના ૭ મોટા કોમર્શિયલ પ્લાન્ટ્સ મળી આવ્યા હતા. તંત્ર દ્વારા આ સાતેય પ્લાન્ટ્સને સ્થળ પર જ સીલ મારીને જપ્ત કરી લેવામાં આવ્યા છે.
ખાણ ખનિજ વિભાગે પકડેલા તમામ ૬ ડમ્પરો અને સાતેય પ્લાન્ટ્સ મળી કુલ ₹૪.૬૫ કરોડનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાનૂની તપાસ અને દંડ વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી છે. તંત્રની આ આકરી કાર્યવાહીના કારણે સમગ્ર અમદાવાદ જિલ્લાના ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
