તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
વડાપ્રધાનના અનન્ય ગૌ-પ્રેમ અને રાજ્યપાલના ગૌ-સંવર્ધન અભિયાનમાંથી પ્રેરણા લઈ કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક પહેલ
મંત્રીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને નૂતન વર્ષના મંગલ પ્રારંભે દેશી ઓલાદની ગીર ગાયોનું આગમન; રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વયં પધારી ગૌ-પૂજન કરી મંત્રીની પહેલને બિરદાવી:મંત્રીના નિવાસસ્થાને સંપૂર્ણ ગૌ-આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલા ‘કિચન ગાર્ડન’ની રાજ્યપાલએ મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનન્ય ગૌ-પ્રેમ અને તેમણે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ગાયો રાખીને સમગ્ર દેશને આપેલી પ્રેરણામાંથી પ્રેરાઈને ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક અનુકરણીય પહેલ કરી છે. દિવાળીના પાવન પર્વ બાદ નૂતન વર્ષના મંગલ પ્રારંભ સાથે જ મંત્રીએ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ‘બાલા હનુમાન ગૌશાળા-પોરબંદર’ (કેતનભાઈ ગજ્જર) ખાતેથી વિશ્વપ્રસિદ્ધ દેશી ઓલાદની બે ગીર ગાય અને બે વાછરડી લાવીને પોતાનો ગૌ-પ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે.
નવા વર્ષના શુભ અવસરે, પ્રાકૃતિક કૃષિના પ્રખર હિમાયતી અને ગૌ-પ્રેમી એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વયં મંત્રીના નિવાસસ્થાને પધારીને આ ગીર ગાયોનું શાસ્ત્રોક્ત વિધિથી ગૌ-પૂજન કર્યું હતું અને ગાયોને નિરાણ અર્પણ કરી મંત્રીની આ ભાવનાને હૃદયપૂર્વક બિરદાવી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાના મહત્વને ઉજાગર કરતાં ગાયોની યોગ્ય સારસંભાળ, પોષણ અને વૈજ્ઞાનિક ઢબે ગૌ-સંવર્ધન અંગે મંત્રીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બેક ટુ બેઝિક્સ’ અને ઝેરમુક્ત ખેતીના આહ્વાન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવાના સંકલ્પથી પ્રેરાઈને કૃષિ મંત્રીએ પોતાના નિવાસસ્થાને જ સંપૂર્ણપણે ગૌ-આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી એક સુંદર ‘કિચન ગાર્ડન’ વિકસાવ્યું છે. જેમાં ટામેટાં, દૂધી જેવા તાજા શાકભાજી અને પપૈયા જેવા ફળોનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કિચન ગાર્ડનની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત જીવામૃતના ઉપયોગથી વિકસાવેલા આ બગીચાને જોઈને રાજ્યપાલ અત્યંત પ્રભાવિત થયા હતા અને તેને વધુ સમૃદ્ધ બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ અને દેશી ગૌ-સંવર્ધન માટે એક અભિયાન સ્વરૂપે જે મહાયજ્ઞ શરૂ કર્યો છે, તેમાં જ્યારે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી સ્વયં પોતાના ઘરઆંગણેથી જોડાયા છે, ત્યારે આ બાબત રાજ્યના લાખો ખેડૂતો અને નાગરિકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, “જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી આવી પહેલ સમાજમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીનો સકારાત્મક સંદેશ પ્રસરાવે છે.”
આ ગીર ગાયો અને વાછરડીઓની માવજત માટે સંવેદનશીલતાપૂર્વક તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં ગાયો માટે હવાઉજાસવાળો શેડ, મુક્તપણે હરવા-ફરવા માટેની ખુલ્લી જગ્યા, ઋતુ મુજબ પંખા અને લાઇટની વ્યવસ્થા, પાણી ઓછું થાય કે તરત જ આપમેળે ભરાઈ જાય તેવી 'ઓટોમેટિક વોટર ટેન્ક', પૌષ્ટિક આહાર તેમજ નિયમિત આરોગ્ય તપાસ અને રસીકરણ સહિતની આદર્શ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
