<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ પરત ફરેલા મંત્રી પરશોત્તમભાઈ સોલંકી ભાવનગર પહોંચ્યા : ' સિંહ તો સિંહ જ હોય 'નો હુંકાર કર્યો

ભાવનગર સ્થિત તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓ, કોળી સમાજના અગ્રણીઓ અને હજારો સમર્થકોએ ઉમટી પડી તેમનું ભવ્ય સ્વાગત કર્યું

રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના સર્વમાન્ય નેતા પરશોતમભાઈ સોલંકી લાંબી બીમારીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના વતન ભાવનગર પહોંચ્યા છે. આ પરશોત્તમ સોલંકી ઘરે પહોંચતા જ સ્થાનિક રાજકારણમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મંત્રી પોતાના ભાવનગર સ્થિત 'મીરા કુંજ' નિવાસસ્થાને પહોંચતા જ સમર્થકો, સ્થાનિક નાગરિકો અને ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં તેમના ખબરઅંતર પૂછવા ઉમટી પડ્યા હતા.

ગુજરાતના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરશોતમભાઈ સોલંકી છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. આશરે 1 મહિનાથી વધુ સમય સુધી નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર લીધા બાદ તેઓ સ્વસ્થ થયા છે

 

તેમના સ્વાસ્થ્યમાં સંપૂર્ણ સુધારો થતાં તબીબોએ તેમને રજા આપી હતી, જે બાદ તેઓ સીધા ભાવનગર ખાતે આવેલા પોતાના પારિવારિક નિવાસસ્થાન 'મીરા કુંજ' પહોંચ્યા હતા. તેમના આગમનના સમાચાર મળતાં જ સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

આ સમયે મંત્રીએ પોતાના સમર્થકો સાથે સીધો સંવાદ કર્યો હતો. કાર્યકરોનો ઉત્સાહ જોઈને તેમણે પોતાના આગવા અંદાજમાં ગર્જના કરતા કહ્યું હતું કે, "સિંહ સિંહ જ હોય!" 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "30 વર્ષ પહેલાં જે પરશોતમ સોલંકી હતો, આજે પણ એ જ પરશોતમ સોલંકી છે." તેમના આ આત્મવિશ્વાસસભર શબ્દો સાંભળીને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ અને નારેબાજીથી સમગ્ર પરિસર ગજવી મૂક્યું હતું.

(1:32 PM IST)