<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

દહેજના અસ્‍પષ્ટ, જનરલ પ્રકારના આક્ષેપોમાં સાસરિયા સામે કાર્યવાહી કાયદાનો દુરુપયોગ

લગ્ન કરી કેનેડા ગયેલી પૂત્રવધૂના સુરતના સાસરિયાં સામેના દહેજ અને ત્રાસના આક્ષેપોની FIR રદ કરતો હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદ,તા.૧: સુરતમાં રહેતાં સાસરિયાં વિરુદ્ધની પોલીસ ફરિયાદ અને ફોજદારી કાર્યવાહી રદ કરતાં એક ચુકાદામાં હાઇકોર્ટે એવું અવલોકન કર્યું છે કે,લગ્નના પ્રથમ દિવસથી જ દહેજ અને ત્રાસનો સાસરિયાંઓ પરના આક્ષેપની ફરિયાદો સામાન્‍ય બની રહી છે. વૈવાહિક વિવાદોમાં વારંવાર એવું જોવા મળે છે કે FIRમાં લગ્નના પહેલા દિવસથી જ ત્રાસ અને અત્‍યાચાર શરૂ થઈ ગયો હોવા જેવા સામાન્‍ય વિધાનોનો સમાવેશ વધી રહ્યો છે. આવા અસ્‍પષ્ટ આક્ષેપોના આધારે સાસરિયાંને ફોજદારી કેસોનો સામનો કરવાની ફરજ પાડવી એ ન્‍યાયની ગંભીર અવગણના અને કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ સમાન છે. આવા મામલામાં સુપ્રીમ કોર્ટે પણ સ્‍પષ્ટપણે ઠરાવ્‍યું છે કે જ્‍યાં સુધી દહેજની માંગણી અથવા ક્રૂરતાના કૃત્‍યોમાં સંબંધિત વ્‍યક્‍તિઓની અલાયદી અને ચોક્કસ ભૂમિકા દર્શાવવામાં ન આવે ત્‍યાં સુધી તેમને ફોજદારી ટ્રાયલનો સામનો કરવા મજબૂર કરી શકાય નહીં.

લગ્ન કર્યા બાદ પતિ સાથે કેનેડા ગયેલી પત્‍ની દ્વારા તેના પતિ અને સુરતમાં રહેતાં સાસરિયાં વિરદ્ધ દહેજ અને ત્રાસની ધારા હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને રદ કરવા હાઇકોર્ટમાં ક્‍વોશિગ પિટિશન કરાઈ હતી. જે પિટિશનને પતિને છોડીને સાસરિયાં પુરતી રદ કરતો ચુકાદો હાઇકોર્ટે આપ્‍યો છે. જેમાં ઠરાવ્‍યું છે કે,સાસુ, સસરા કે નણંદ દ્વારા અપાયેલા ઠપકા અથવા તે અંગેની ચોક્કસ ઘટનાઓ કે તારીખોના ઉલ્‍લેખ વિના, લગ્નના પહેલાં દિવસથી જ મહિલા પર ત્રાસ અથવા દહેજની માંગણી કરાતી હોવાના નિવેદનો પતિના પરિવારને કેસમાં સંડોવવાના હેતુથી કરાયેલી એક સામાન્‍ય અતિશયોક્‍તિ જણાય છે. આવા વ્‍યાપક અને વિગતો વિનાના નિવેદનના આધારે સાસરિયાં વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાકીય પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ ગણાશે. આમ, કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગને રોકવા માટે તેમની વિરુદ્ધની કાર્યવાહી રદ કરવાને પાત્ર જણાય છે.

હાઇકોર્ટ આ મામલે પ્રીતિ ગુપ્તા અને કહકશાં કૌસરના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ હવાલો આપ્‍યો હતો. સાથે જ નોંધ્‍યું હતું કે, આ કેસની FIR અને રજૂઆતોને ધ્‍યાનથી વાંચતા એવું જણાય છે કે ફેબ્રુઆરી ૨૦૧૬માં કેનેડા જતા પહેલા આ દંપતી ખૂબ જ ટૂંકા સમય માટે સુરતમાં સાથે રહ્યા હતા. સાસરિયાઓ (માતા-પિતા અને નણંદ) સામે પ્રાથમિક આરોપો એ છે કે તેમણે સ્‍ત્રીધનને રાખી લીધું હતું અને તેઓ ખરાબ વર્તન કરતાં. તેઓ દહેજથી અસંતુષ્ટ હોવાથી તેમણે ટેલિફોન પર પતિને ઉશ્‍કેર્યો હતો. આ આરોપો સામાન્‍ય, અસ્‍પષ્ટ અને સર્વવ્‍યાપી આરોપોની શ્રેણીમાં આવે છે. સાસરિયાં સુરતમાં રહેતા હતા જ્‍યારે પ્રાથમિક વૈવાહિક ઘર જ્‍યાં કથિત ભારે ક્રૂરતા થઇ હતી તે સ્‍થળ કેનેડામાં હતું. દૂરના સંબંધીઓને ફસાવવા માટે આવી FIRમાં ટેલિફોનિક ઉશ્‍કેરણીનો આરોપ નિયમિતપણે ઉમેરાતો હોવાનું જણાય છે. કેનેડામાં મહિલા સાથે જે કથિત ક્રૂરતા થઇ હતી એમાં સાસરિયાંની સક્રિય ભાગીદારી અંગેની અથવા તો ૧૦ લાખ રૂપિયાની ડિમાન્‍ડની કોઇ ચોક્કસ ઘટના અથવા તો તારીખ અપાઈ નથી. આવા સંજોગોમાં સાસરિયાંને ફોજદારી ટ્રાયલમાં ધકેલવા એ ન્‍યાયની કસુવાવડ સમાન અને કાયદાની પ્રક્રિયાના દુરુપયોગ સમાન ગણાશે.

(9:57 AM IST)