News of Sunday, 12th July 2026
ધારાસભ્ય ચૈતર વસાવાને સજા થઈ છે, ત્યારથી સનદની જમીનો પર જે આદિવાસી ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે તેમના પર અત્યાચાર કરાઈ છે,નિરંજન વસાવા
આદિવાસી ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખોટા કેસોના પ્રયત્ન કરવામાં આવે છે:2002-03થી જે ખેડૂતો ખેતી કરે છે,આજે તેમના ખેતરમાંથી તેમને બહાર કાઢી લેવામાં આવી રહ્યા છે: નિરંજન વસાવા જિલ્લા પ્રમુખ AAP

(ભરત શાહ દ્વારા )નર્મદા : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં સજા કરવામાં આવી ત્યારથી જ ફોરેસ્ટ વિભાગ એક્શનમાં આવ્યો છે અને સનદની જમીનો પર જે આદિવાસી ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યા છે અને ખોટા કેસો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 2002-03થી જે ખેડૂતો ખેતી કરે છે આજે તેમના ખેતરમાંથી તેમને બહાર કાઢી લેવામાં આવી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જે 30-35 વર્ષથી સાંસદ છે તેમણે અને અહીંયા જે બોર્ડર લાગે છે તે વિસ્તારના ગણપતભાઈ વસાવા જેઓ કેબિનેટ મંત્રી હતા તેમણે પણ આજ દિન સુધી આ ખેડૂતોનો પ્રશ્ન હલ કર્યો નથી. ભાજપના નેતા લીલાબેન વસાભાઈ રાજીનામું પણ ધરી દીધું, ભાજપના જીલ્લા પ્રમુખ કહે છે કે તેઓ પ્રદેશમાં મુલાકાત કરી આવ્યા, મંત્રીમંડળ અને ડેપ્યુટી સીએમની પણ મુલાકાત કરી. તો હજુ પણ મારો સવાલ છે કે શા માટે ફક્ત આદિવાસી ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવે છે, એક ખેડૂતો પાસે બીજી કોઈ જમીન કે બીજો કોઈ વેપાર ધંધો નથી. અત્યારે ચોમાસાની સિઝનમાં આ ખેડૂતોને ખેતી કરવા દો અને હેરાન કરવાનું બંધ કરો. 10 તારીખે ગણપતભાઈ વસાવાને મનસુખભાઈ વસાવા સાગબારા ખાતે પેટ્રોલ પંપ નું મુરત કરવા માટે ગયા હતા તો કેમ તમે ખોપી ગામ ખાતે ગયા નથી. આજે 10-15 ગામના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, ત્યાં એસઆરપી મૂકવામાં આવી છે અને આ તમારા વિસ્તારમાં થઈ રહ્યું છે તમે જવાબદાર વ્યક્તિ છો છતાં તેઓ કેમ આ ખેડૂતોની વેદના સાંભળવા જઈ રહ્યા નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, હવે લેટર લખવાનું બંધ કરો અને લોકોને ન્યાય અપાવો. લેટરો તો ઘણા બધા સામાજિક આગેવાનો પણ આપે છે. તમે આટલા લેટર આપ્યા પરંતુ કયું કામ કર્યું. સનદોની જમીનોના પ્રશ્ન 10-15 વર્ષથી પ્રાયોજનાની ઓફિસમાં છે પરંતુ ક્યાંથી હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નથી, આ સનદની જમીનોની મીટીંગો પણ થતી નથી, આ એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર નર્મદા જિલ્લાનો પ્રશ્ન છે. ભાજપ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી રહી છે. જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય કે સાંસદ સહિત કોઈ પણ ભાજપના નેતાઓનું ઉપજતું નથી. હાલ સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે આ લોકો લેટર લખી રહ્યા છે. તો આ ખોટી રીતે લેટરો લખવાનું અને ખોટી રીતે લોકોને ભરમાવવાનું હવે બંધ કરો. ભાજપની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે છતાં અમારી સનદોની જમીનનો નિકાલ થતો નથી, દાવાઓ પેન્ડિંગ પડ્યા છે. ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા જો અત્યારે બહાર હોત તો આ તમામ લોકોનો અવાજ સાંભળતા અને લોકોને ન્યાય અપાવતા પરંતુ તમારા લોકોનું કંઈ ઉપસ્થિત નથી.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
