તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યોનો આકરો મિજાજ : અનાજની ઉઠાંતરી કરતા રેશનિંગ દુકાનદારોના પરવાના રદ કરવા અને ગેરકાયદેસર બોરિંગ કરનારાઓ સામે કડક પગલાં લેવા માંગ
નિવાસી અધિક કલેક્ટર વિજયભાઈ રબારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લોકપ્રશ્નોનો ગંભીરતાપૂર્વક ઉકેલ લાવવા આદેશ : હજીરા હાઇવે પર ભારે વાહનો પર પ્રતિબંધ : કતારગામમાં તેલના સેમ્પલિંગ અને પાંડેસરામાં પ્રદૂષણ ફેલાવતી ચીમનીઓ સામે તપાસ શરૂ

સુરત : સુરત જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક નિવાસી અધિક કલેક્ટર વિજયભાઈ રબારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપસ્થિત વિવિધ પદાધિકારીઓ અને ધારાસભ્યો દ્વારા સ્થાનિક જનતાને સ્પર્શતા કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક, સ્વાસ્થ્ય, પ્રદૂષણ અને સરકારી અનાજ વિતરણ જેવા ગંભીર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. નિવાસી અધિક કલેક્ટરે તમામ પ્રશ્નોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને સંબંધિત વિભાગના અધિકારીઓને સમયમર્યાદામાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવા માટે સ્પષ્ટ આદેશો જારી કર્યા હતા.
અનાજ ઓછું આપતા કાળાબજારીયા દુકાનદારોના લાયસન્સ રદ કરવા આદેશ:
બેઠકમાં ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુભાઈ પટેલે ગરીબ પરિવારોના હક પર ત્રાપ મારતા તત્વો સામે આકરો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે ઉધના વિસ્તારની કેટલીક વ્યાજબી ભાવની દુકાનોમાં (FP Shop) ગરીબ પરિવારોને નિયમ મુજબ મળવાપાત્ર અનાજ કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે. આવા કાળાબજારી કરતા અને ગરીબોનું શોષણ કરતા દુકાનદારોના પરવાના (લાયસન્સ) તાત્કાલિક અસરથી રદ કરવા જોઈએ. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને વિજયભાઈ રબારીએ જિલ્લા પુરવઠા અધિકારીને તત્કાલ તપાસ કરીને આવા તમામ ભ્રષ્ટ દુકાનદારો વિરૂદ્ધ કડક દંડાત્મક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા.
આ ઉપરાંત મનુભાઈ પટેલે ઉધના-પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડની મિલોની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડા અને કેમિકલ ડસ્ટના કારણે આસપાસની સોસાયટીના રહીશોના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોનો મુદ્દો ઉઠાવ્યો હતો, અને તમામ ચીમનીઓ પર ફિલ્ટર મૂકવાની માંગ કરી હતી. જેના સંદર્ભે જીપીસીબી (GPCB) ના અધિકારીઓને તાકીદે તપાસ કરવા જણાવાયું હતું. તેમણે ઉધના-પાંડેસરામાં જમીનમાંથી ગેરકાયદેસર રીતે બોરિંગ કરી ટેન્કરો દ્વારા પાણી ઉલેચતા માફિયાઓ સામે પણ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
હજીરા-ઇચ્છાપોર હાઇવે પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પડાશે:
ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા અંગે મહત્વની રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું કે જીઆઈડીસી દ્વારા વર્ષ ૨૦૨૧માં ભાટપોર ખાતે પોલીસ ભવનના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવી હતી, જેનો ખર્ચ નિર્દિષ્ટ વિસ્તારના અનુદાનમાંથી થવાનો છે. સ્થાનિક સલામતી અને સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા માટે આ ભવનમાં નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર તેમજ ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓની કચેરીઓનો સમાવેશ કરવો જોઈએ.
આ ઉપરાંત સ્થાનિક નાગરિકો અને શાળા છૂટ્યા બાદ ઘરે પરત ફરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર સાંજના ૫:૧૫ થી ૬:૪૫ વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સંદિપભાઈની રજૂઆતનો સ્વીકાર કરીને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમણે ઇચ્છાપોરથી હજીરા અને ઇચ્છાપોરથી ભેંસાણ સુધીના સર્વિસ રોડ પર લાંબા સમયથી ગેરકાયદેસર ખડકાયેલા વાહનો દૂર કરી નવી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા તેમજ ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બોરિંગ કરીને પાણી કાઢનારાઓ વિરૂદ્ધ કાયદેસરના પગલાં લેવા ભાર પૂર્વક જણાવ્યું હતું.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ફરસાણના વેપારીઓ સામે પાલિકા ત્રાટકી:
કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ સુરત શહેરમાં ખાદ્ય સામગ્રીનું વેચાણ કરનારાઓ તેમજ ફરસાણના વેપારીઓ દ્વારા એકનું એક તેલ વખતોવખત ઉકાળીને ઉપયોગમાં લેવાતું હોવાની અને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું કે પાલિકા આ બાબતે સતર્ક છે અને છેલ્લા દોઢ મહિના દરમિયાન જ ૧૧૦૦થી વધુ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવ્યા છે, તેમજ આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ કરાશે. વિનુભાઈ મોરડીયાએ અમરોલી નજીક અંજની ઇન્ડસ્ટ્રીમાં કેનાલનું નાળું પહોળું કરવા રજૂઆત કરી હતી, જેના જવાબમાં પાલિકા અધિકારીએ આગામી ટેન્ડરિંગ પ્રક્રિયામાં આ કામનો સમાવેશ કરી લેવાશે તેવી ખાતરી આપી હતી. કતારગામમાં વાહનો પર ખાદ્ય સામગ્રી વેચતા ફેરિયાઓના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે પણ ટ્રાફિક પોલીસ આગામી દિવસોમાં કડક ડ્રાઈવ યોજશે તેમ જણાવાયું હતું.
બાંધકામ દબાણો અને સરકારી કોલેજની જમીનના પ્રશ્નો ચર્ચાયા:
બેઠકના અંતિમ ચરણમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલે લિંબાયત વિસ્તારમાં સરકારી કોલેજ માટે ફાળવવામાં આવેલી જમીનની કાનૂની ક્વેરીઓનો ત્વરિત ઉકેલ લાવી કામ આગળ ધપાવવા રજૂઆત કરી હતી. જ્યારે ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે સાયણ વિસ્તારમાં સુડા (SUDA) માં સમાવિષ્ટ બિનખેતીની જમીન પર થઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામો તેમજ કોમન પ્લોટ પરના દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવા તંત્રને જણાવ્યું હતું. આ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, વિનુભાઈ મોરડીયા સહિત સુરત મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને કલેક્ટર કચેરીના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
