તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
મોડાસા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: પેલેટ ચોકડી અને બસ પોર્ટ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા
મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જોકે, માત્ર અડધા કલાક સુધી પડેલા ધોધમાર વરસાદે જ સમગ્ર મોડાસા શહેરને પાણી-પાણી કરી દીધું

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં લાંબા સમયના બફારા અને અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદી માહોલ જામ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જોકે, માત્ર અડધા કલાક સુધી પડેલા ધોધમાર વરસાદે જ સમગ્ર મોડાસા શહેરને પાણી-પાણી કરી દીધું હતું. સિઝનના આ પહેલા જ નોંધપાત્ર વરસાદમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ધોધમાર વરસાદની શરૂઆત થતાં જ મોડાસાના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના મોડાસા ચાર રસ્તા, બસ સ્ટેશન રોડ, પેલેટ ચોકડી અને બસ પોર્ટ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અને કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા હોવાના અહેવાલો પણ સાંપડ્યા છે.
માત્ર અડધો કલાક પડેલા આ વરસાદના કારણે મોડાસાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રહેણાંક વિસ્તારો પ્રભાવિત થયા છે. શહેરની જાણીતી સોસાયટીઓ જેવી કે: રામપાર્ક સોસાયટી, કલ્યાણ સોસાયટી, કેદાર સોસાયટી
આ તમામ વિસ્તારોના માર્ગો જલમગ્ન થઈ ગયા હતા. આ ઉપરાંત, ચાર રસ્તા અને બજાર વિસ્તારમાં આવેલી અનેક દુકાનોની આગળ પણ પાણી ભરાઈ જતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ગટર સફાઈ યોગ્ય રીતે ન કરવામાં આવી હોવાથી, પહેલા જ વરસાદમાં આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
