તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
ગુજરાતમાં ચોમાસું સક્રિય : ૨૭.૨૧ ટકા સાથે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ ૯.૭૩ ઇંચ વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વચ્ચે નવસારીના જલાલપોરમાં છેલ્લા ૨૪ કલાકમાં પ.૭૫ ઇંચ ખાબક્યો : છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧ તાલુકામાં મેઘમહેર : રાજ્યના ૨૦૬ પૈકી ૬ ડેમ ૧૦૦ ટકા છલકાયા : અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર : જુઓ સંપૂર્ણ યાદી
સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૭.૬૫ ટકા જળસંગ્રહ સાથે પાણીની આવક ૧૮,૦૭૭ ક્યુસેક થઈ : રાજકોટના લાલપરી, વેણુ-૨ અને આજી-૨ ડેમ તેમજ જુનાગઢના બાંટવા-ખારડી અને પોરબંદરના શરણ ડેમ હાલ 'વોર્નિંગ' હેઠળ : રાજ્યમાં ૮,૩૨૪ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું : રાજ્યના ૨૭ રસ્તાઓ વાહનવ્યહાર માટે બંધ : રાજ્યમાં કુલ ૩૯,૭૨,૯૦૫ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું પ્રગતિશીલ વાવેતર

ગાંધીનગર, તા.૨૦ જુલાઈ: ગુજરાત રાજ્યમાં ચોમાસું-૨૦૨૬ની સિઝન સંપૂર્ણપણે જામી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર અહેવાલ મુજબ, આજ સવારના ૧૦:૦૦ કલાક સુધીની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ વરસાદની સામે અત્યાર સુધીમાં કુલ ૨૪૭.૩૪ મિલીમીટર એટલે કે અંદાજે ૯.૭૩ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે કુલ સરેરાશના ૨૭.૨૧ ટકા જેટલો થવા જાય છે. છેલ્લા ત્રણ વર્ષના સરખામણી પત્રક પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૩માં કુલ ૧૦૮.૧૬ ટકા, ૨૦૨૪માં ૧૪૩.૧૪ ટકા અને વર્ષ ૨૦૨૫માં ૧૨૮.૫૭ ટકા વરસાદ નોંધાયો હતો, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૨૭.૨૧ ટકા વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના કુલ તાલુકાઓ પૈકી ૨૪ તાલુકામાં ૨ ઇંચ સુધી, ૮૧ તાલુકામાં ૨ થી ૫ ઇંચ, ૮૩ તાલુકામાં ૫ થી ૧૦ ઇંચ, ૪૦ તાલુકામાં ૧૦ થી ૨૦ ઇંચ અને ૨૯ તાલુકાઓમાં ૨૦ થી ૪૦ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે ૭ તાલુકાઓ એવા છે જ્યાં ૪૦ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૨૪ ઇંચથી વધુ વરસાદ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧ તાલુકા પ્રભાવિત:
રીઝીયન વાઈઝ વરસાદની ટકાવારી જોતાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૬૧૦.૬૩ મિલીમીટર (અંદાજે ૨૪.૦૪ ઇંચ) વરસાદ પડ્યો છે, જે તેના સરેરાશના ૩૯.૬૦ ટકા છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ૨૨૫.૩૧ મિલીમીટર (૮.૮૭ ઇંચ), પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૫૫.૭૯ મિલીમીટર (૬.૧૩ ઇંચ), ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૦૪ મિલીમીટર (૪.૧૭ ઇંચ) અને કચ્છ રીઝીયનમાં ૧૭.૧૦ મિલીમીટર (૦.૬૭ ઇંચ) વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૦ જિલ્લાના ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં પ.૭૫ ઇંચ, નવસારી તાલુકામાં ૪.૮૦ ઇંચ, વલસાડના પારડીમાં ૩.૮૨ ઇંચ, સુરતના પલસાણામાં ૩.૦૭ ઇંચ અને નવસારીના ચીખલીમાં ૨.૪૮ ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત આજે વહેલી સવારે ૦૬:૦૦ થી ૧૦:૦૦ કલાકના માત્ર ચાર કલાકમાં જલાલપોરમાં ૨.૬૪ ઇંચ, નવસારીમાં ૨.૩૨ ઇંચ, ગણદેવીમાં ૨.૧૩ ઇંચ, મહુવા (સુરત)માં ૧.૭૭ ઇંચ અને ચીખલીમાં ૧.૬૫ ઇંચ વરસાદ ખાબક્યો છે.
સરદાર સરોવરમાં ૬૭.૬૫ ટકા જળસંગ્રહ, રાજ્યના ૨૦૬ પૈકી ૬ ડેમ ૧૦૦ ટકા છલકાયા:
ભારે વરસાદના પગલે રાજ્યની જળસંપત્તિમાં મોટો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (નર્મદા ડેમ)માં હાલનો સંગ્રહ ૨,૨૫,૯૯૭ એમસીએફટી (mcft) એ પહોંચ્યો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૭.૬૫ ટકા જેટલો છે. નર્મદા ડેમમાં હાલ ૧૮,૦૭૭ ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ રહી છે, જેની સામે ૬૨૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ક્ષમતાના ૪૦.૮૩ ટકા સંગ્રહ થયો છે. તે પૈકી ૦૬ ડેમ ૧૦૦ ટકા સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, જ્યારે ૨૧ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા અને ૨૧ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. નદી-નાળાની સ્થિતિ જોતાં રાજ્યના ૧૨ ડેમ માટે 'હાઈ એલર્ટ', ૨ ડેમ માટે 'એલર્ટ' અને ૧૩ ડેમ માટે 'વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે.
અતિભારે વરસાદથી પ્રભાવિત જળાશયો અને પૂરની ચેતવણીનો અહેવાલ:
જળાશયોની સ્થિતિના કારણે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયેલા મુખ્ય ડેમોમાં અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવડી ડેમ અને સાવરકુંડલાનો સુરજવાડી ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટ પર છે. ભાવનગરના મહુવાનો રોજકી ડેમ અને પાલીતાણાનો શેત્રુંજી ડેમ પણ ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ અને તાપીના સોનગઢનો દોસ્વાડા ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. આ સિવાય ભાવનગરના ઉમરાળાનો રંગહોળા ડેમ (૯૯.૬૫ ટકા), મહીસાગરના બાલાસિનોરનો વણાકબોરી ડેમ (૯૯.૫૯ ટકા), અમરેલીના ધારીનો ખોડીયાર ડેમ (૯૬.৮3 ટકા), ખાંભાનો રાયડી ડેમ (૯૫.૨૪ ટકા) અને રાજુલાનો ધાતરવડી-૨ ડેમ (૯૩.૭૨ ટકા) તેમજ સુરેન્દ્રનગરના વઢવાણનો ધોળીધજા ડેમ (૯૧.૧૭ ટકા) ભરાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. જ્યારે ભાવનગરના માલણ ડેમ અને ગીર સોમનાથના રાવલ ડેમ માટે 'એલર્ટ' અપાયું છે. રાજકોટના લાલપરી, વેણુ-૨ અને આજી-૨ ડેમ તેમજ જુનાગઢના બાંટવા-ખારડી અને પોરબંદરના શરણ ડેમ હાલ 'વોર્નિંગ' હેઠળ રાખવામાં આવ્યા છે.
૧૦,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર અને રેસ્ક્યુ, એનડીઆરએફ-એસડીઆરએફની ૨૪ ટીમો તૈનાત:
ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં પૂર અને ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ ૮,૩૨૪ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૩,૭૧૧ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાંથી ૪,૬૮૩ લોકોનું સ્થળાંતર અને ૩,૪૧૬ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જ્યારે નવસારીમાંથી ૨,૧૧3 લોકોનું સ્થળાંતર કરી ૧૨૦ લોકો બચાવાયા છે. અમરેલીમાંથી ૬૪૧ લોકોનું સ્થળાંતર અને ૧૧૬ લોકોનું રેસ્ક્યુ થયું છે. બચાવ કામગીરી માટે એનડીઆરએફ (NDRF) ની ૧૧ ટીમો અને એસડીઆરએફ (SDRF) ની ૨૪ પ્લાટુન અલગ-અલગ સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. જેમાં વડોદરા અને અમદાવાદ ખાતે ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે હવામાન વિભાગ (IMD) દ્વારા માછીમારોને આગામી તા.૨૧.૦૭.૨૦૨૬ થી ૨૩.૦૭.૨૦૨૬ સુધી દરિયો ન ખેડવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે.
વીજળી, એસટી બસ અને રસ્તા વ્યવહારની નુકસાની અને પુનઃસ્થાપનની કામગીરી:
ભારે વરસાદના લીધે ઉર્જા વિભાગ (GUVNL) હેઠળ રાજ્યના ૩,૩૯૮ ગામડાઓ પ્રભાવિત થયા હતા, જે તમામમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. જો કે ૭ વીજ ફીડર, ૨૦ વીજ થાંભલા અને ૨ ટ્રાન્સફોર્મર સેન્ટરને નુકસાન થતાં સમારકામ ચાલુ છે. માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ સ્ટેટ હાઈવે અને પંચાયતના અન્ય માર્ગો મળીને કુલ ૨૭ રસ્તાઓ વાહનવ્યહાર માટે બંધ થયા છે, જેમાં ખેડા જિલ્લાના પંચાયતના ૧૭ રસ્તા અને અમરેલીના રસ્તાઓ સામેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના જણાવ્યા મુજબ, એસટી બસના તમામ વિભાગોમાં હાલ કોઈ રૂટ કે ટ્રીપ બંધ નથી અને વાહન વ્યવહાર સામાન્ય રીતે ચાલી રહ્યો છે. કૃષિ વિભાગના અહેવાલ અનુસાર, ચાલુ ચોમાસામાં તા.૧૩-૦૭-૨૦૨૬ સુધીમાં રાજ્યમાં કુલ ૩૯,૭૨,૯૦૫ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું પ્રગતિશીલ વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં સૌથી વધુ ડાંગર, મગફળી અને કપાસના પાકનો સમાવેશ થાય છે. શૈક્ષણિક અને વહીવટી સ્તરે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
