તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 31st July 2026
રાજ્યમાં ચોમાસાની જામતી મહેફિલ : મોસમનો કુલ સરેરાશ ૨૦.૦૩ ઇંચ વરસાદ સાથે ૫૫.૯૭ ટકા મોસમનો વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં ૭૯.૪૧ ટકા સાથે સૌથી વધુ મેઘમહેર : ૧૦ કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ : ૬૨,૪૭૯ લોકોનું સુરક્ષિત સ્થળાંતર : NDRF, SDRF અને આર્મીની ટુકડીઓ દ્વારા ૯,૬૧૦ લોકોનું રેસ્ક્યુ : રાજ્યના ૨૫૨ રસ્તાઓ બંધ : એસ.ટી. નિગમને રૂ. ૭.૫૨ લાખનું નુકસાન
નર્મદા ડેમ ૭૨.૫૦ ટકા ભરાયો : રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૪૭.૨૦ ટકા જળસંગ્રહ સાથે ૧૪ ડેમ ઓવરફ્લો : જળસ્તર વધતાં ૨૨ ડેમ માટે હાઈ એલર્ટ અને ૦૬ માટે એલર્ટ જાહેર : અમરેલી, ભરૂચ અને નવસારીના મુખ્ય ડેમો છલકાયા : માછીમારોને ૨ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના : રાજ્યમાં ૬૯.૪૭ ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર સંપન્ન

ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂરજોશમાં ખીલી ઊઠી છે અને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા, આજે સાંજના 5 વાગ્યા સુધીના જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૫૦૮.૭૩ મિલીમીટર એટલે કે ૨૦.૦૩ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે રાજ્યની મોસમની સરેરાશ સામે ૫૫.૯૭ ટકા જેટલો થાય છે. જો અગાઉના વર્ષોના ડેટા સાથે સરખામણી કરીએ તો વર્ષ ૨૦૨૩માં કુલ ૧૦૮.૧૬ ટકા (૩૭.૩૩ ઇંચ), ૨૦૨૪માં ૧૪૩.૧૪ ટકા (૪૯.૭૬ ઇંચ) અને ૨૦૨૫માં ૧૨૮.૫૭ ટકા (૪૪.૬૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો. મોસમના કુલ વરસાદી વિસ્તરણની પરિસ્થિતિ જોઈએ તો રાજ્યના ૨૯ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ, ૩૯ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઇંચ વચ્ચે, ૧૩૫ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ વચ્ચે, ૪૮ તાલુકાઓમાં ૫થી ૧૦ ઇંચ વચ્ચે, ૧૩ તાલુકાઓમાં ૨થી ૫ ઇંચ વચ્ચે અને માત્ર ૦૪ તાલુકાઓમાં ૨ ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે.
પ્રાદેશિક વિશ્લેષણ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૭૯.૪૧ ટકા એટલે કે ૪૮.૨૧ ઇંચ (૧૨૨૪.૪૭ મીમી) વરસાદ વરસી ચૂક્યો છે. તે સિવાય પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૯.૫૭ ટકા (૧૫.૯૮ ઇંચ), સૌરાષ્ટ્રમાં ૪૩.૯૮ ટકા (૧૩.૨૦ ઇંચ), ઉત્તર ગુજરાતમાં ૪૨.૫૨ ટકા (૧૨.૨૩ ઇંચ) અને કચ્છ પ્રદેશમાં ૧૯.૦૫ ટકા (૩.૭૫ ઇંચ) મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૮ જિલ્લાના ૧૦૭ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં પંચમહાલના જાંબુઘોડા અને છોટાઉદેપુરના જેતપુર પાવીમાં ૨.૮૩ ઇંચ, કવાંટમાં ૨.૬૪ ઇંચ, નસવાડીમાં ૨.૩૬ ઇંચ તથા તાપીના કુકરમુંડામાં ૨.૧૭ ઇંચ વરસાદ પડ્યો હતો.
આજે ૩૧ જુલાઈના રોજ સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજે ૪.૦૦ વાગ્યા સુધીના ૧૦ કલાક સમયગાળા દરમિયાન રાજ્યના નીચાણવાળા અને પહાડી વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૧૦.૫૫ ઇંચ (૨૬૮ મીમી) મુશળધાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના ઉમરપાડામાં ૯.૭૨ ઇંચ (૨૪૭ મીમી), સુરતના જ અંબિકા તાલુકામાં ૯.૬૯ ઇંચ (૨૪૬ મીમી), ખેડાના વસોમાં ૯.૫૩ ઇંચ (૨૪૨ મીમી) અને ડાંગના સુબીરમાં ૮.૨૩ ઇંચ (૨૦૯ મીમી) અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.
જળસંપત્તિ અને જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૨,૪૨,૧૯૫ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના ૭૨.૫૦ ટકા જેટલો છે. આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૩,૩૧૫ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ૪૭.૨૦ ટકા ભરાયેલા છે. રાજ્યના ૧૪ જળાશયો ૧૦૦ ટકા ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે, જ્યારે ૨૬ ડેમ ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે, ૩૦ ડેમ ૫૦થી ૭૦ ટકા વચ્ચે, ૫૪ ડેમ ૨૫થી ૫૦ ટકા વચ્ચે અને ૮૨ ડેમ ૨૫ ટકાથી ઓછો સંગ્રહ ધરાવે છે. જળસ્તર વધી જવાથી ૨૨ ડેમ માટે હાઈ એલર્ટ, ૦૬ ડેમ માટે એલર્ટ અને ૧૨ ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ૧૦૦ ટકા ભરાઈને ઓવરફ્લો થઈ રહેલા મુખ્ય જળાશયોમાં અમરેલીના ધાતરવડી અને સુરજવડી, ભરૂચના બલદેવા, પિગુટ અને ઢોલી, ભાવનગરના રોજકી અને શેત્રુંજી, કચ્છનો ફતેહગઢ, મહીસાગરનો વણાકબોરી, નવસારીના ઝૂઝ અને કેલિયા, સુરતનો લખીગામ, સુરેન્દ્રનગરનો વાંસલ તથા તાપીનો ડોસવાડા ડેમ સમાવિષ્ટ છે.
ચોમાસા દરમિયાન સર્જાયેલી આફતને પહોંચી વળવા માટે રાજ્ય તંત્ર દ્વારા વ્યાપક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧ જૂનથી ૩૧ જુલાઈ સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૬૨,૪૭૯ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૯,૬૧૦ લોકોને રેસ્ક્યુ કરીને ઉગારી લેવાયા છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં ૨૧,૦૨૮ લોકોનું સ્થળાંતર અને ૩,૧૨૫ લોકોનું રેસ્ક્યુ, નવસારીમાં ૨૦,૪૯૨ લોકોનું સ્થળાંતર અને ૮૪૫ લોકોનું રેસ્ક્યુ તથા સુરતમાં ૧૧,૬૭૫ લોકોનું સ્થળાંતર અને ૩,૪૩૯ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઇમરજન્સી સર્વિસ માટે રાજ્યમાં એનડીઆરએફ (NDRF) ની ૧૭ ટીમો, એસડીઆરએફ (SDRF) ની ૩૩ પ્લાટુન અને ભારતીય સેનાની ૬ ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે. ખરાબ હવામાનના કારણે હવામાન વિભાગ દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
વરસાદના કારણે પાવર સપ્લાય અને વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. વીજ ક્ષેત્રે અસરગ્રસ્ત થયેલા તમામ ૪,૬૧૬ ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે, જ્યારે ૯,૮૪૪ માંથી ૯,૮૩૯ ફીડરો અને ૧૦,૯૮૫ માંથી ૧૦,૬૮૨ વીજપોલ રિપેર કરી લેવાયા છે. રસ્તાઓની વિગત જોઈએ તો ભારે વરસાદથી સ્ટેટ હાઈવે, પંચાયત અને અન્ય મળીને કુલ ૨૫૨ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થયા છે, જેને પૂર્વવત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહી છે. એસ.ટી. બસ વ્યવહારમાં પણ ૪૭૬ રૂટ અને ૯૫ ટ્રીપો બંધ કરવી પડી છે, જેનાથી બસ નિગમને રૂ. ૭,૫૨,૧૦૭ નું નુકસાન થયું છે. બીજી તરફ, સારા વરસાદને પગલે કૃષિ ક્ષેત્રે પણ ઉત્સાહનો માહોલ છે અને રાજ્યમાં કુલ ૫૯,૨૦,૧૯૫ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૬૯.૪૭ ટકા જેટલું થાય છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
