<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડશે: IMDની ચેતવણી - આગામી 72 કલાકમાં ભારે વરસાદ પડશે : ગાજવીજ સાથે 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા : 17 રાજ્યોમાં એલર્ટ

સ્કાયમેટની આગાહી: ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એક-બે જગ્યાએ અતિભારે વરસાદ સાથે 50 કિમી સરેરાશ પવન અને 80 કિમીના સુસવાટા, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 1થી 3 જુલાઈ ભારે વરસાદનું જોર, ખેડૂતોને પાક બચાવવાની સલાહ, દરિયો ન ખેડવા માછીમારોને તાકીદ

ગાંધીનગર, તા. 29  : ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. ભારતીય હવામાન વિભાગ -IMD અને સ્કાયમેટ વેધર સર્વિસે આગામી 72 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે.

 

સ્કાયમેટ મુજબ આગામી 72 કલાક દરમિયાન ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે એક-બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આ સમયે સરેરાશ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેના સુસવાટા 80 કિમી સુધી પહોંચી શકે છે. 

 

IMDએ દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને તેજ પવનની ચેતવણી આપી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં 80થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ખરાબ હવામાન દરમિયાન ઘરમાં રહેવા અને સત્તાવાર સલાહનું પાલન કરવા અપીલ કરાઈ છે. 

 

તારીખ વાર આગાહી

 

 

- 29 જૂન:દાહોદ, દક્ષિણ ગુજરાત - છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્ર - અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટોછવાયો હળવો થી મધ્યમ વરસાદ.

- 30 જૂન:વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને તેજ પવન.

- 1 જુલાઈથી: એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પાણી ભરાવા અને પૂરની શક્યતા. 1થી 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્થાનિક પૂરની શક્યતા છે. 

 

IMD મુજબ હાલ રાજસ્થાનથી બિહાર સુધી ચોમાસાની ટ્રફ, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત, હરિયાણા અને લક્ષદ્વીપ પર વધારાના સર્ક્યુલેશન સક્રિય છે. પશ્ચિમી વિક્ષેપ પણ ઉત્તર પ્રદેશને અસર કરી રહ્યો છે. આ સિસ્ટમોને કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ચોમાસું આગળ વધશે. 

 

ખેડૂતોને તેજ પવનથી ઊભા પાકને નુકસાનથી બચાવવા પગલાં લેવા સલાહ અપાઈ છે. ગાજવીજ દરમિયાન ઘરમાં રહેવા, વીજળી વખતે ઝાડ નીચે કે ખુલ્લા ખેતરમાં આશરો ન લેવા તાકીદ કરાઈ છે. 

(4:47 PM IST)