News of Tuesday, 8th September 2026
એક મહિના સુધી અભિયાનઃ ૫૬૦૦૦ બુથો પર આમ આદમી પાર્ટી મજબૂત સંગઠન બનાવશે
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું મોટું એલાન : બૂથ સંગઠન નિર્માણ અભિયાન માટે ૨૫૦૦ પદાધિકારીઓની નિયુક્તિ : ગુજરાતમાં ૧૦૮ તાલુકાઓમાં દુષ્કાળની સ્થિતિઃ ૯ તારીખથી દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહનું બીજું ચરણ દુષ્કાળ પ્રભાવિત તમામ ગામોમાં આમ આદમી પાર્ટી ગ્રામ સત્યાગ્રહ કરશેઃ એક ઓક્ટોબર સુધી દુષ્કાળ મુદ્દે ખેડૂતોના ફોર્મ ભરીશું અને બે ઓક્ટોબરે ગાંધીનગર કૂચ

રાજકોટ તા.૮: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતની અંદર તમામ પક્ષોએ ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ૨૦૨૭ માં પરિવર્તનના લક્ષ્યને લઈને 'મિશન ૨૦૨૭' શરૂ કર્યું છે. મિશન ૨૦૨૭ ને સફળ બનાવવા માટે સંગઠનને દરેક બૂથ સુધી મજબૂત કરવા માટે પાર્ટી આજથી અભિયાન શરૂ કરી રહી છે.
ગુજરાતની અંદર ૫૬,૦૦૦ બૂથ છે, SIR પછી ૩૦,૦૦૦ પ્લસ પોલિગ સ્ટેશન છે. આજના મંથન પછી સમગ્ર રાજ્યમાં ૫૬,૦૦૦ બૂથ પર આમ આદમી પાર્ટીનું સંગઠન બનાવવાનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. તેના માટે સમગ્ર પ્રદેશ નેતૃત્વની સાથે તમામ વિધાનસભા ક્ષેત્રના જે પ્રમુખ નેતૃત્વકારી સાથીઓ છે, ૬૦૦ થી વધુ સમગ્ર પ્રદેશના લીડરો આજે દિવસભર આ મંથનમાં સામેલ થઈ રહ્યા છે, જેમાં બૂથ સંગઠનથી લઈને સમગ્ર પ્રદેશમાં જનતાના હક અને અધિકાર માટે આંદોલનની રણનીતિ તૈયાર કરીશું અને આમ આદમી પાર્ટી જમીન પર ઉતરીને ભાજપનો વિકલ્પ બનવા માટે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે.
સમગ્ર ગુજરાતની અંદર ભાજપ સરકારના ૩૦ વર્ષના શાસનથી ગુજરાતના લોકો આજે નિરાશ છે, લોકોની અંદર નારાજગી છે, સાથે સાથે કોંગ્રેસને ૩૦ વર્ષ સતત લોકોએ બદલાવ માટે તક આપી પરંતુ લોકોની અંદર નિરાશા છે કે કોંગ્રેસથી કામ થઈ શકતું નથી. એવામાં આમ આદમી પાર્ટી જ્યાં પણ પહોંચી રહી છે, આમ આદમી પાર્ટી સાથે સતત લોકો જોડાઈ રહ્યા છે. આ સમગ્ર બૂથ સંગઠન નિર્માણ અભિયાન માટે અઢી હજારથી વધુ હોદ્દેદારોની નિમણૂક કરી છે. આ અઢી હજાર જે હોદ્દેદારો છે, આ આગામી ૧૦ તારીખથી લઈને ૧૦ ઓક્ટોબર સુધી એક મહિનાનું સમગ્ર અભિયાન ચાલશે, જેમાં આપણે દરેક બૂથમાં જઈને મીટિગ કરીશું, ત્યાંની સમસ્યાઓ પર ચર્ચા કરીશું, ગુજરાતમાં પરિવર્તન પર ચર્ચા કરીશું અને ત્યાં સંગઠન બનાવીને ગુજરાતમાં પરિવર્તનની લડાઈને આપણે આગળ વધારીશું. મને લાગે છે કે જે રીતે સમગ્ર ગુજરાતમાં ચાહે તે આદિવાસી ક્ષેત્રમાં ચૈતર વસાવાના નેતૃત્વમાં આંદોલન આગળ વધી રહ્યું છે, હમણાં ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે આપણા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજીના નેતૃત્વમાં આંદોલન આગળ વધ્યું છે, જે રીતે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ જનતાની સમસ્યા હોય, હક-અધિકારની વાત હોય, આજે આમ આદમી પાર્ટી સૌથી મજબૂત અવાજ બનીને ઉભરી છે. આંદોલનની સાથે સંગઠનને મજબૂત કરવા માટે આજથી ૫૬,૦૦૦ બૂથો પર આ અભિયાન શરૂ થઈ રહ્યું છે અપેક્ષા છે કે આગામી એક મહિનાની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનના સ્તર પર નંબર વન પાર્ટી બનશે. એના માટે આજથી તૈયારીઓ કરી રહ્યા છીએ.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે,આમ આદમી પાર્ટી માહોલ બનાવી લે છે, ખૂબ લોકોમાં આશા પણ જાગે છે. પરંતુ, ક્યાંક કચાશ ૨૦૨૨માં બૂથ સંગઠન ઉપર રહી ગઈ હતી. જેના ભાગરૂપે, અરવિદ કેજરીવાલ જી, ગોપાલ રાય જી અને સેન્ટ્રલ ટીમે અને પ્રદેશની ટીમે મળીને એ નક્કી કર્યું છે કે આ બૂથ અભિયાન એક મહિના સુધી ચાલશે. જેમાં વિધાનસભાના પ્રભારીઓ, સંગઠન મંત્રીઓથી લઈને પ્રદેશ નેતૃત્વ, લોકસભા અને જિલ્લા પ્રમુખો સહિત વિધાનસભાના જે પ્રભારી અને સંગઠન મંત્રીઓ છે, આજે એ લોકોને પણ બોલાવ્યા છે અને ટ્રેનિગ આપીશું. આગળના સમયમાં ગ્રામ સમિતિઓ, બૂથ સમિતિઓ સુધી જવાય, એ માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે સાથે, જે રીતે ગુજરાતમાં દુષ્કાળ છે, ખૂબ હાલત ખરાબ છે. ૧૦૮ તાલુકા લગભગ મળીને ૫૮ વિધાનસભામાં આંદોલન પણ કર્યું હતું, અને અત્યારે ધરણાં કર્યા હતાં અને ફેઝ ૨ નવ તારીખથી શરૂઆત થાય છે બીજું ચરણ. કારણ કે સરકારને કંઈ પડી નથી. અત્યારે ગામડાઓમાં પીવાના પાણીની તંગી છે, ઘાસચારાની તંગી છે, તો ખૂબ હાલત ખરાબ છે. ત્યારે જ્યારે એલાન કર્યું હતું, હવે આ ગુજરાતમાં ૫૮-૫૮ વિધાનસભાના ૧૦૮ તાલુકામાં, જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં તેની માંગના પત્રો અને ફોર્મ ખેડૂતો પાસે ભરાવીશું. તો એના માટે પણ ૧૦૮ તાલુકામાંથી ટીમો આવી છે, એના માટે પણ અલગથી એક આયોજન કર્યું છે કે ૧૦૮ જે તાલુકા છે, એમાં ખેડૂતોની સાથે ટીમો રાખી, અને લગભગ બધા ગામોમાં ગ્રામ સત્યાગ્રહ કરશે, અને ગ્રામ સત્યાગ્રહ બાદ એ તમામ વિસ્તારમાં નવ તારીખથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. ૧લી ઓક્ટોબર તારીખ સુધી આ ફોર્મ ભરાશે, પછી બીજી તારીખે ગાંધીનગરમાં કૂચ કરીશું.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
