તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 6th November 2026
સુરત માં વાયરલ બીમારી ઓ ના કારણે વધુ બાળકીએ જીવ ગુમાવ્યો : 6 માસની બાળકીનું તાવ અને પેટમાં તકલીફ થયા પછી કરૂણમોત
ખાનગી દવાખાનામાં તબિયતમાં સુધારો ન થતાં તેને ઈમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી

સુરત :પાલનપુર પાટિયા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પરિવારની માત્ર 6 માસની ફૂલ જેવી બાળકી અચાનક બીમાર પડી હતી અને જોતજોતામાં તેણે દમ તોડી દીધો હતો. આ કરુણ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર અને અરેરાટી ફેલાઈ ગઈ છે.
પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા નીરજકુમારની 6 માસની વહાલી દીકરી છેલ્લા 3 દિવસથી ગંભીર રીતે બીમાર હતી. બાળકીને સતત ઉધરસ, શરદી અને ભારે તાવની સમસ્યા સતાવી રહી હતી. પરિવારે શરૂઆતમાં બાળકીની સામાન્ય તબિયત સમજીને કાળજી રાખી હતી. પરંતુ સમય જતાં તાવનું પ્રમાણ ઘટવાને બદલે સતત વધતું જતું હતું. આ બીમારીના કારણે નાની બાળકીનું શરીર અશક્ત બની ગયું હતું અને તે સતત રડી રહી હતી.
તાવની સાથે બાળકીને પેટમાં પણ અસહ્ય તકલીફ ઊભી થઈ હતી. માસૂમની હાલત જોઈને ગભરાયેલા પિતા નીરજકુમાર તેને નજીકના સ્થાનિક દવાખાનામાં લઈ ગયા હતા. ત્યાં ખાનગી ડોક્ટરે પ્રાથમિક તપાસ કરીને દવાઓ આપી હતી. તેમ છતાં બાળકીની સ્થિતિમાં કોઈ સુધારો દેખાયો નહોતો. પેટનો દુખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી અચાનક વધી ગઈ હતી. બાળકી અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જતાં પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
સ્થિતિ વધારે નાજુક બનતાં પરિવારજનો જરાય સમય ગુમાવ્યા વગર બાળકીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા. ફરજ પરના તબીબોએ બાળકીને તાત્કાલિક ઈમરજન્સી આઈસીયુ વોર્ડમાં ખસેડી હતી. તબીબોની ટીમે તેને બચાવવા માટે તાબડતોબ તપાસ અને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી. તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને શરીર કોઈ પ્રતિભાવ આપતું નહોતું. અંતે નિષ્ણાત તબીબોએ તપાસ કરીને બાળકીને સત્તાવાર રીતે મૃત જાહેર કરી દીધી હતી.
માત્ર 6 મહિનાની લાડકવાયી દીકરીનું અકાળે અવસાન થતાં નીરજકુમાર અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. સુરત શહેરમાં ફેલાયેલા રોગચાળાએ વધુ એક માસૂમ જિંદગી છીનવી લેતાં લોકોમાં ભય પેદા થયો છે. આરોગ્ય નિષ્ણાતો પણ આવા મોસમમાં બાળકોની તબિયતમાં સામાન્ય ફેરફાર જણાય તો તરત જ નિષ્ણાત ડોક્ટરની મુલાકાત લેવાની સલાહ આપી રહ્યા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
