<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ઓલપાડ પોલીસ મથકે કોળી સમાજના 200થી વધુ લોકો ધરણાં પર બેઠા : પંથકમાં ભારે રોષ

સરોલી ગામના અમીષ પટેલના શંકાસ્પદ મોત બાદ પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધાતાં નારાજ 200થી વધુ લોકોએ ઓલપાડ પોલીસ સ્ટેશને ધરણા કર્યા :હત્યાનો ગુન્હો નોંધવા અને PI ને સસ્પેન્ડ કરવા માંગ:માંડવી લૂંટ કેસ બાદ આ ઘટનાથી સમગ્ર પંથકમાં ઉગ્ર જનરોષ ફેલાયો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં યુવકના શંકાસ્પદ મોત મામલે સ્થાનિક સ્તરે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. આ ચકચારી કેસ અંતર્ગત સરોલી ગામના અમીષ પટેલના મોતના વિરોધમાં 200થી વધુ કોળી સમાજના લોકો ઓલપાડ પોલીસ સ્ટેશને ધરણા પર બેઠા છે. પરિવારે અકસ્માતની થિયરી નકારીને અસામાજિક તત્વો દ્વારા આયોજનબદ્ધ હત્યા કરાઈ હોવાનો આરોપ મૂક્યો છે.

 

ઓલપાડ પોલીસ સ્ટેશન સંકુલમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિક નાગરિકો અને આગેવાનોએ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સરોલી ગામના રહેવાસી અમીષ પટેલનો મૃતદેહ ઓલપાડ નજીક એક ક્ષતિગ્રસ્ત કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

 

પોલીસે આ સમગ્ર મામલાને પ્રથમ દ્રષ્ટિએ પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાતાં થયેલા અકસ્માત તરીકે ખપાવી અકસ્માતે મોત (AD) નો ગુનો નોંધ્યો હતો. જોકે, મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ આ પ્રાથમિક તપાસ સામે સીધો વાંધો ઉઠાવી પોલીસ સ્ટેશન સામે ધામા નાખ્યા હતા અને કલાકો સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

 

 

પરિવારજનોનો સ્પષ્ટ દાવો છે કે અમીષ પટેલનું મોત કોઈ સામાન્ય રોડ અકસ્માત નથી, પરંતુ અસામાજિક તત્વો દ્વારા સોચી-સમજીને ઘડવામાં આવેલું હત્યાનું ષડયંત્ર છે. કારની અંદર જે પ્રકારે લોહીના ડાઘા અને ઈજાના નિશાનો મળી આવ્યા છે તે જોતાં હત્યા કર્યા બાદ પુરાવા નાશ કરવા અકસ્માતનું રૂપ આપવામાં આવ્યું હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

 

સુરત ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને સામાન્ય પ્રજામાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં જ માંડવી તાલુકાના ગોડાવડી ગામે નિધિ પટેલ નામની યુવતીની લૂંટ વિથ મર્ડરની અત્યંત દર્દનાક ઘટના બની હતી, જેનો આઘાત હજુ શમ્યો નથી.

ત્યાં જ હવે સરોલીના અમીષ પટેલના શંકાસ્પદ મોતની બીજી ઘટના સામે આવતાં સમગ્ર સુરત જિલ્લાના કોળી સમાજમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે. લોકોનો આરોપ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસ સામાન્ય નાગરિકોને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે.

 

ધરણા દરમિયાન ઉપસ્થિત જનમેદનીએ ઓલપાડ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી "ઓલપાડ પોલીસ હાય હાય" ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સમગ્ર કેસની ભીનું સંકેલવાની કોશિશ કરી રહ્યા છે અને આરોપીઓને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આંદોલનકારીઓએ ઓલપાડ પી.આઈ.ની તાત્કાલિક બદલી અથવા સસ્પેન્શન કરવાની જોરદાર માંગ કરી છે. જ્યાં સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર આવીને હત્યાનો ગુનો નોંધવાની ખાતરી નહીં આપે અને નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ નહીં કરાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(7:05 PM IST)