<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે રૂ.૨૧ કરોડથી વધુના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયું

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા સ્વરોજગારલક્ષી લોન યોજનાના ૬૧૪ લાભાર્થીઓની પારદર્શક પસંદગી કરાઈ

ગાંધીનગર :રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક માળખાને વધુ મજબૂત કરવાના આશય સાથે આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૧ ખાતેથી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા દ્વારા કુલ રૂ. ૨૧ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીના વરદહસ્તે લોકાર્પિત થયેલા પ્રકલ્પોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે વિકસતી જાતિ કલ્યાણ હસ્તક રૂ. ૫.૯૯ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય તેમજ આણંદ જિલ્લાના ખંભાત ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક રૂ. ૭.૧૫ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય ભવનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળ ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે માનસિક બીમારીમાંથી સાજી થયેલી મહિલાઓ માટે રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક પુનઃવસન ગૃહનું પણ ઈ-લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં બોટાદ ખાતે રૂ. ૩.૯૫ કરોડના ખર્ચે સાકાર થનાર વિકસતી જાતિ કલ્યાણ હસ્તકના નવીન સરકારી કુમાર છાત્રાલયનું ઈ-ખાતમુહૂર્ત પણ સંપન્ન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પછાત અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક માહોલ પૂરો પાડવામાં આ આધુનિક છાત્રાલયો આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત માનસિક બીમારીમાંથી સાજી થયેલી બહેનોનું આદરપૂર્વક સામાજિક પુનઃવસન થાય તે દિશામાં ડભોડા ખાતેનું પુનઃવસન ગૃહ ખૂબ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. 
વધુમાં મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અને ભૌતિક વિકાસની સાથે નાગરિકોમાં આર્થિક આત્મનિર્ભરતા લાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગારલક્ષી લોન યોજના અંતર્ગત આજે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ આ ત્રણ જિલ્લાઓમાં લક્ષ્યાંક કરતાં મળેલ વધુ ઓનલાઈન અરજીઓમાંથી સંપૂર્ણ પારદર્શક પદ્ધતિ અપનાવીને કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા કુલ ૬૧૪ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેથી ખરા અર્થમાં લાયક તેમજ જરૂરિયાતમંદ બિનઅનામત વર્ગના નાગરિકો સુધી સ્વરોજગારલક્ષી યોજના સહાય સીધી પહોંચશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારની આ પારદર્શી અને સરાહનીય પહેલ જરૂરિયાતમંદ નાગરિકોને પોતાની રોજગારી શરૂ કરવા અથવા વ્યવસાયને વિસ્તારવા માટે આર્થિક પીઠબળ પૂરું પાડશે અને તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખશે

(8:19 PM IST)